રાજકોટ નજીકનાં લોઠડા ગામની ઘટના.બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ, હવે પછી ગામમાં તપાસમાં આવ્યા તો જીવતા નહીં જવા દઈએ.
રાજકોટમાં પોલીસની ધાક ઓસરી ગયાની અનુભૂતિ કરાવતી ઘટનાઓ વારંવાર બને છે. માથાભારે, લુખ્ખા અને ગુનેગાર તત્વો પોલીસનાં ડર વગર બેફામ બની ગુના આચરી રહ્યાંનાં ઘટનાક્રમ વચ્ચે ગઈકાલે મોડી સાંજે લોઠડા ગામે અરજીની તપાસમાં ગયેલી આજી ડેમ પોલીસ ઉપર એક જ પરિવારનાં ચાર સભ્યોએ હુમલો અને પત્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસમેનો ઘવાયા હતાં. આજીડેમ પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
આજીડેમ પોલીસ મથકમાં સર્વેલન્સ અને મિસીંગ સ્કવોડમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશસિંહ રવુભા પરમારે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અરજદાર ફિરોઝ સોલંકી (રહે. કોઠારીયા, સોલવન્ટ, નુરાનીપરા)એ એવી અરજી કરી હતી કે, લોઠડા ગામમાં એક કંપનીની બાજુમાં તેની નોનવેજની કેબીન છે. જે કેબીનની બાજુમાં ગેરેજ ધરાવતાં બાબુ મકવાણા, તેનો પુત્ર અને પત્ની અવારનવાર તેની કેબીને આવી, કેબીન નહીં રાખવાનું કહી, ઝઘડો કરે છે.
આ અરજીનાં પગલે સામાવાળા બાબુ મકવાણાનો સર્વેલન્સ સ્કવોડનાં રાઈટર પોલીસમેન ભોજભાઈ ભોમે મોબાઈલથી સંપર્ક કરી તેને પત્ની સાથે આજી ડેમ પોલીસ મથકે નિવેદન આપવા આવવાનું કહ્યું હતું. પરંતુ તેણે નિવેદન લખાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરિણામે એએસઆઈ રવિભાઈ વાંકે તપાસમાં લોઠડા જવાની સુચના આપતાં પોલીસ મથકની વન નંબરની ગાડી લઈને ગઈકાલે સાંજે લોઠડા રવાના થયા હતાં. ત્યાં સ્થળપર પહોંચતાં જ બાબુ મકવાણાનો પુત્ર મુન્નો મળ્યો હતો. જેને તેનાં પિતા વિશે પુછતાં તે બહાર ગયાનું કહ્યું હતું. જેથી તેનાં પિતાને કોલ કરવાનું કહેતાં મુન્નો કેબીન પાછળ જતો રહ્યો હતો અને ત્યાંથી તેણે કોઈને કોલ કરી કહ્યું કે, આપણાં ગેરેજ પાસે પોલીસ આવી છે અને મારા પિતાને બોલાવે છે, તો તમે બધા તૈયારીમાં આવજો.તે સાથે જ થોડી વારમાં બે મહિલા અને એક પુરુષ પાવડો અને પાઈપ લઈને આવ્યા હતાં. તે વખતે મુન્નાએ કહ્યું કે, આમાં મારો પુત્ર જયેશ, મારા બા શાંતાબેન અને ભાભી ભાનુબેન છે, હવે અમારી સાથે વાત કરો, તમે પોલીસવાળા ફિરોઝ સોલંકી સાથે મળેલા છો અને અમને ખોટી રીતે હેરાન કરો છો તેમ કહી ઝઘડો શરૂ કરી દીધો હતો.
એટલું જ નહીં અન્ય લોકોને પણ બોલાવવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર બે મહિલા હોવાથી તેણે તત્કાળ પોલીસ મથકે કોલ કરી મહિલા કોન્સ્ટેબલને મોકલવા જણાવ્યું હતું. ત્યાર પછી ચારેય આરોપીઓએ તેને અને બીજા પોલીસ સ્ટાફને બેફામ ગાળો ભાંડી હતી. સાથોસાથ નજીકમાં પડેલાં પત્થરો ઉપાડી તેેના છુટા ઘા કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ડ્રાઈવર મહાવીરસિંહ જાડેજાને વાંસા અને ડાબા હાથમાં મુંઢ ઈજા થઈ હતી. મુન્નાએ પાઈપ વડે હુમલો કર્યો હતો. જયારે જયેશ પાવડાથી તેને મારવા જતાં દુર ખસી ગયો હતો.
પોલીસ પર હુમલો થઈ ગયા પછી પણ પોલીસ ફરિયાદ મુજબ તે આરોપીઓને સમજાવતી હતી ત્યારે આરોપીઓએ વધુ ઉશ્કેરાઈ અને કહ્યું કે, હવે અમારા ગામમાં તપાસમાં આવશો તો જીવતા જવા દઈશું નહીં કહી ઝપાઝપી કરી હતી. આ વખતે મહિલા કોન્સ્ટેબલ આવી જતા સામાન્ય બળપ્રયોગ કરી બે આરોપી મુન્ના અને તેનાં પુત્ર જયેશને પોલીસની ગાડીમાં બેસાડી દીધા હતાં. આ વખતે ભીડનો લાભ લઈને મહિલા આરોપી શાંતાબેન અને ભાનુબેન ભાગી ગયા હતાં.આજીડેમ પોલીસે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. આજે બપોરે પોલીસે બંને મહિલા આરોપીઓની પણ ધરપકડકરી હતી. તપાસનાં અંતે ચારેય આરોપીઓએ અદાલતે જેલ હવાલે કર્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.