શેરોનું બાયબેક કરતી કેશ રિચ એટલે કે સમૃધ્ધ કંપનીઓના પ્રમોટરોને કેન્દ્રિય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારામને કરેલા પ્રસ્તાવથી ફટકો પડવાની સંભાવના છે. બાયબેકમાં શેરોનું ટેન્ડરિંગ એટલે કે શેરો ઓફર કરીને થયેલા લાભ પર હવે લાભ મેળવનાર પર વેરાનો બોજ લાદવામાં આવ્યો છે. જેમના પર અત્યારે આવું કોઈ ભારણ નથી. બાયબેક હાથ ધરનારી કંપનીએ બાયબેક ટેક્ષ તરીકે અસરકારક રીતે ૨૦ ટકાથી વધુ રકમ ચૂકવવી પડે છે. બાયબેકમાં હવે શેરો આપનારને કેટલો લાભ થયો છે, એ ટૂંકાગાળામાં થયો છે કે લાંબાગાળામાં એ મુજબ એમને ટેક્ષની ચૂકવણી કરવી પડશે.નાણા મંત્રીએ હવે શેરોના બાયબેક પર લાભ મેળવનારને મળતી રકમ પર ટેક્ષ વસુલવાની જોગવાઈ કરી છે. બજેટની આ દરખાસ્ત સરકારે ડિવિડન્ડ પરના કરબોજને તેમના વ્યક્તિગત ટેક્ષ સ્લેબના આધારે મેળવનાર કંપનીઓ પાસેથી ખસેડવાનો નિર્ણય લીધાના ચાર વર્ષ પછી આવી છે. ડિવિડન્ડ અને બાયબેક બન્ને શેરધારકોને રોકડ પરત કરવા માટેનું સાધન છે.
કેટલીક કેશ રિચ-સમૃધ્ધ કંપનીઓ ડિવિડન્ડ કરતાં બાયબેકનો વિકલ્પ પસંદ કરતી હોય છે, કેમ કે તેનાથી તેમના પ્રમોટરોને ફાયદો થતો હોય છે.મૂડી બજાર નિયામક તંત્ર સેબી અને નિષ્ણાતોઓ આ વિસંગતતા દર્શાવી હતી, કંપની દ્વારા ચૂકવવામાં આવેલા બાયબેક ટેક્ષને કારણે મુઠ્ઠીભર શેરધારકોને ફાયદો થતો જોવા મળ્યો હતો, જે અન્યના ભોગે તેમના શેરનું ટેન્ડરિંગ કરે છે.ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓમાં શેરોના બાયબેકનું ચલણ વધારે છે. ડિસેમ્બરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝે તેના રૂ.૧૭,૦૦૦ કરોડના શેરોનુનં બાયબેક પૂર્ણ કર્યું હતું. જેમાં પ્રમોટર ટાટા સન્સે રૂ.૧૨,૨૮૪ કરોડના શેરો ટેન્ડર એટલે કે બાયબેકમાં ઓફર કર્યા હતા. અગાઉ ટાટા સન્સે વર્ષ ૨૦૧૭, વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨માં શેરો બાયબેકમાં આપ્યા હતા. જે મુજબ આ બાયબેકોમાં પાંચ અબજ ડોલર એટલે કે રૂ.૪૧,૮૯૫ કરોડના કુલ શેરોનું બાયબેક થયું હતું.