સોના-ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં રૂ. 3000નો કડાકો

કેન્દ્રના નાણાંપ્રધાને બજેટમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટડયુટ-કસ્ટમ ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યાના સમાચાર વચ્ચે ઝવેરી બજારોમાં આજે બપોર પછી સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦નો  કડાકો બાલી ગયો હતો. સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી નાણાંપ્રધાને ૬ ટકા કરી છે સામે ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી પણ ઘટાડી ૬ ટકા કરવામાં આવી છે જ્યારે પ્લેટીનમ ઈમ્પોર્ટ ડયુટી નાણાંપ્રધાને ઘટાડી ૬.૪૦ ટકા કર્યાના અહેવાલો  હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાયો હતો. ગોલ્ડ બાર્સ પર બેઝીક કસ્ટમ ડયુટી (બીસીડી) ૧૦ ટકાવાળી પાંચ ટકગા કરાઈ છે જ્યારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ એઆઈડીસી પાંચ ટકાથી ઘટી ૧ ટકો થયો છે. આમ હવે ડયુટી કુલ ૬ ટકા થઈ છે. ગોલ્ડ ડોરેની બીસીડી ૧૦ ટકાવાળી પાંચ ટકા તથા એઆઈડીસી ૪.૩૫ વાળી ૦.૩૫ ટકા થઈ છે. આમ ડોરે ગોલ્ડ પર કુલ ડયુટી હવે ૫.૩૫ ટકા થઈ છે. સિલ્વર બાર્સની બીસીડી ૧૦ વાળી ૫ ટકા તથા એઆઈડીસી ૫ વાળી ૧ ટકો થઈ છે. જ્યારે સિલ્વર ડોરેની બીસીડી ૧૦ વાળી ૫ ટકા તથા એઆઈડીસી ૪.૩૫ વાળી ૦.૩૫ ટકા થઈ છે. દરમિયાન, પ્લેટીનમ પરની બીસીડી ૧૦ વાળી પાંચ ટકા તથા એઆઈડીસી ૫.૪૦ વાળી ૧.૪૦ ટકા થઈ છે. ભારતમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં હવે સોનાની દાણચોરીને ફટકો પડવાની તથા દેશમાં સોનાની સત્તાવાર આયાત વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. 

જો કે ભારતે ડયુટી ઘટાડતાં વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઘટતા અટકી ફરી વધી આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. સોનાના વૈશ્વિક ભાવ ઔંશના નીચામાં ૨૩૮૮ થયા પછી ઉછળી ઉંચામાં ૨૪૧૨થી ૨૪૧૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ નીચામાં ૨૮.૬૬ થઈ ફરી વધી ૨૯.૩૦થી ૨૯.૩૧ ડોલર ભારતના બજેટ પછી જોવા મળ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ નીચામાં ૯૪૫ થઈ ૯૬૦ ડોલર રહ્યા  હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ આજે તૂટી ૯૯.૫૦ના રૂ.૭૨૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૨૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી કિલોના રૂ.૮૬૦૦૦ બોલાયા હતા. દરમિયાન, સ્પેશિયલ નોટીફાઈડ ઝોેનમાં  વિદેસી કંપનીઓને રફ ડાયમંડનું વેંચાણ કરવાની છૂટ અપાઈ છે જે દેશના હીરા બજાર માટે ગેમ ચેન્જર સાબીત થશે એવું જાણકારોએ જણાવ્યું હતું.  

આના પગલે બેલ્જિયમ તથા દુબઈની જેમ ભારત પણ હીરાનું વૈશ્વિક વેંચાણ કેન્દ્ર બની જવાની આશા બજારમાં બતાવાઈ રહી હતી. ભારતમાં દર વર્ષે આશરે ૨૨૫થી ૨૫૦ ટન સોનું દાણચોરી મારફત  પ્રવેશ કરે છે. ભારતમાં ડયુટી વધતાં હવે આવી દાણચોરી નોંધપાત્ર ઘટી જશે એવું જાણકારો બતાવી રહ્યા હતા.દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ગબડી ૯૯.૫૦ના રૂ.૬૯૩૨૩ તથા ૯૯.૯૦ના ર.૬૯૬૦૨ તથા ચાંદીના ભાવ તૂટી રૂ.૮૪૯૧૯ બોલયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *