વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશના ઓટો ઉદ્યોગમાં તંદૂરસ્ત વેચાણ વૃદ્ધિ જોવા મળી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે પ્રથમ ત્રિમાસિકમાં ઊતારૂ વાહનોનો વેચાણ આંક પહેલી વખત ૧૦ લાખના આંકને પાર જોવા મળ્યો છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકની સરખામણીએ વેચાણ ૩ ટકા વધી ૧૦,૨૬,૦૦૬ રહ્યું છે. યુટિલિટી વ્હીકલ્સના વેચાણમાં ૧૮ ટકા તથા વાન્સના વેચાણમાં ૯.૨૦ ટકા વૃદ્ધિને પરિણામે ઊતારૂ વાહનનો વેચાણ આંક ઊંચો જોવા મળ્યો હોવાનું સિઅમના સુત્રોએ જણાવ્યું હતું.ઊતારૂ કારનું વેચાણ ૧૭.૫૦ ટકા ઘટયું છે. પચાસ લાખ એકમ સાથે ટુ વ્હીલર્સના વેચાણમાં જૂન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૨૦.૪૦ ટકા વધારો થયો છે. ટુ વ્હીલર્સમાં સ્કૂટર્સનું વેચાણ ૨૮.૨૦ ટકા વધ્યું છે અને મોટરસાઈકલ્સ તથા મોપેડમાં પણ વેચાણ વૃદ્ધિ જોવા મળી છે.
૧૪.૨૦ ટકા વૃદ્ધિ સાથે થ્રી વ્હીલર્સનો વેચાણ આંક ૧૬૫૦૮૧ રહ્યો છે જે કોઈ ત્રિમાસિક ગાળામાં અત્યારસુધીનો સૌથી વધુ છે. ચોમાસાના પોઝિટિવ આઉટલુકને જોતા અને આગામી તહેવારોની મોસમ દરમિયાન વાહનોના વેચાણમાં મજબૂત વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા હોવાનું સિઅમના પ્રમુખ વિનોદ અગરવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું. જૂન મહિનાની વાત કરીએ તો તેમાં વીજ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે જે પ્રત્યે વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે ચિંતા પણ વ્યકત કરી હતી. વીજ વાહન આપણી માટે નવું સેગમેન્ટ છે માટે તેમાં કયારેક મંદી જોવા મળી શકે છે, પરંતુ તેમાં બજેટ બાદ વધારો જોવા મળશે.