૨૮ જૂનના જ્યારે ભારતીય બોન્ડસને જેપી મોર્ગન ઈન્ડેકસમાં સમાવી લેવાશે ત્યારે તે એક જ દિવસમાં ભારતીય બોન્ડસમાં બે અબજ ડોલરનો ઈન્ફલોસ જોવા મળવાની શકયતા છે. આ ઈન્ફલોસ એક દાયકાની ઊંચી સપાટીએ હશે. આ અગાઉ ક્રેડિટ રેટિંગમાં સુધારાની અપેક્ષાએ ભારતીય બોન્ડસમાં ૨૦ ઓગસ્ટ, ૨૦૧૪ના એક જ દિવસે ૨.૭૦ અબજ ડોલરના બોન્ડસનો ઈન્ફલોસ જોવા મળ્યો હતો.જેપી મોર્ગનના ઊભરતી બજાર ઈન્ડેકસમાં ભારત તેનું વેઈટેજ ૨૦૨૫ના માર્ચ સુધીમાં ૧૦ ટકા સુધી પહોંચવા અપેક્ષા છે, જે દસ મહિનાના ગાળામાં ઓછામાં ઓછા ૨૦ અબજ ડોલરના લાંબા ગાળાના ઈન્ફલોસ જોવા મળવાના સંકેત આપે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જે રૂપિયાને તૂટતો અટકાવવા ચાંપતી નજર રાખી રહી છે તે આ ઈન્ફલોસને પણ ધ્યાનમાં લેશે. આ ઈન્ફલોસ રૂપિયા માટે તથા દેશના ફોરેકસ રિઝર્વ માટે સાનુકૂળ બની રહેવા ધારણાં હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.