સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા. શેક્સપિયરે કહેલું: સંતાનોની ખૂબી, વિશેષતાઓ જુએ એ મા. આવડત ભેગી અણઆવડત પણ પારખે એ પિતા. સાયન્સ કહે છે: પેરેન્ટિંગમાં પિતા જેટલા વધુ સક્રિય હોય એટલું બાળકને ઈમોશન કંટ્રોલ કરતાં આવડે છે.
માતા-પિતા બંને સાથે રહેતા બાળકો બેલેન્સ જાળવી શકે છે.બાળપણમાં પિતાનું સુરક્ષાકવચ જેટલું મજબૂત હોય એટલા સંતાનો અડગ બને છે.’
મોડર્ન મનોવિજ્ઞાાનના પિતા સિગમંડ ફ્રોઈડનું આ બેહદ જાણીતું વાક્ય છે. મનોવિજ્ઞાાનની દૃષ્ટિએ કદાચ પહેલી વહેલી વખત ફાધરહૂડનું કોઈએ એનાલિસિસ કર્યું હોય તો એ સિગમંડ ફ્રોઈડ હતા. મા અને સંતાનને લઈને અસંખ્ય સંશોધનો થયા છે, સતત થતાં રહે છે. પિતા અને સંતાનને લગતા એટલા સંશોધનો હજુય થતાં નથી.પ્રકૃતિએ સજીવોમાં મેલ અને ફીમેલ પાર્ટનર્સને બાળકોના જન્મ પછી અલગ અલગ કામ સોંપી દીધું હતું. સેંકડો વર્ષો સુધી એ પ્રમાણે જ ચાલતું રહ્યું. મેલ પાર્ટનરનો રોલ બચ્ચાના શરૂઆતી વર્ષોમાં ઘણો ઓછો રહ્યો. બાળકનું ડાઈરેક્ટ કનેક્શન મા સાથે હોવાથી બોન્ડિંગ પણ વધુ મા સાથે જ રહ્યું. માણસ સિવાયના સજીવોમાં તો બચ્ચું મોટું થાય પછી એને બીજા કોઈની જરૂર પડતી નથી. માદા ઈંડાનું સેવન કરે અને નર માળો બાધં, ખાવા-પીવાનું લઈ આવે.
પણ માનવજાતના કિસ્સામાં એટલાથી વાત પૂરી થતી નથી. બાળક મોટું ન થાય ત્યાં સુધી માતાની સીધી દેખરેખ હેઠળ રહે છે. સદીઓ સુધી બાળકના ઉછેરમાં માતાની સક્રિય ભૂમિકા રહેતી ને કેળવણીમાં પિતાનો રોલ રહેતો. હજુ ૫૦-૭૦ વર્ષ પહેલાં પિતાએ સંતાનોને ઉછેરતા હોય એવો ટ્રેન્ડ જ નહોતો, અપવાદોની વાત જુદી છે. એ જવાબદારી માતાની હોય એવો વણલખ્યો નિયમ. હવે એમાં મોટું પરિવર્તન આવ્યું છે. માત્ર માતા જ સંતાનોને ઉછેરે એ જૂની વાત થઈ ગઈ. ૨૧મી સદીમાં બાળકના ઉછેર-સંભાળમાં પિતાનીય એટલી જ મહત્ત્વની ભૂમિકા છે. બાળકના ઉછેરમાં જેટલું મા કરે છે એટલું જ બાપ પણ કરે છે. પતિ-પત્ની બંને કમાતા થયા ત્યારથી ઘરની જવાબદારીઓ વહેચાઈ ગઈ. એમાં બાળકના ઉછેર-એજ્યુકેશનનો પણ સમાવેશ થાય છે. આજે બાળકનું કનેક્શન મધર અને ફાધર બંને સાથે રહે છે.
હવે પિતાની બાળકના ઉછેર-સંભાળમાં શું ભૂમિકા છે અને તેની બાળકના વ્યક્તિત્વમાં કેટલી અસર થાય છે એના સાયન્ટિફિક તારણોય રજૂ થાય છે. એવા જ કેટલાક રિસર્ચ તપાસી લઈએ…સિગમંડ ફ્રોઈડે ૧૮૯૦ના દશકામાં લખેલા એક રિસર્ચ પેપરમાં કહેલું કે સંતાન, ખાસ તો પુત્ર કિશોરવસ્થા-યુવાવસ્થાએ પહોંચે ત્યારે પિતા સામે લડે છે. એ લડાઈ કારકિર્દી માટેની હોય, વૈચારિક મતભેદો માટેની હોય કે પછી બીજા કોઈ મુદ્દે પણ હોય – પુત્ર એમાં જીતી જાય છે. પિતા કદાચ એને જીતવા દે છે. પણ એનું કારણ પિતાની ખુદની કિશોરાવસ્થા જવાબદાર હોય છે. સિગમંડ ફ્રોઈડ એક રસપ્રદ ઓબર્ઝવેશન આપે છે: ‘પુત્ર સામે હારી જનારો પિતા એ વખતે પિતા નથી હોતો, એક પુત્ર હોય છે. તેણે એની કિશોરાવસ્થામાં આ જ રીતે પિતા સામે જીદે ચડીને વિજય મેળવ્યો હતો, એને સમજાય છે કે એ ભૂલ હતી. એક પુત્ર તરીકે એને ખબર પડે છે કે પિતાએ એને જીતવા દીધો હતો. પ્રોઢાવસ્થાએ એ પણ એના સંતાન સામે એવું જ કરે છે. એટલે પેઢી દર પેઢી કિશોરાવસ્થામાં સંતાનોની જીદ સામે પિતા હાર માની લે છે.’ સિગમંડ ફ્રોઈડે આટલા વાક્યોમાં પિતા અને સંતાનોના સંબંધોનો મનોવૈજ્ઞાાનિક ચિતાર આપી દીધો.પણ હવે પિતા-સંતાનોના સંબંધોમાં પરિવર્તનો આવ્યા છે. ઉછેર અને સંભાળમાં પિતાની સક્રિયતા વધી એમ સંતાનો સાથે પિતાનું ઈમોશ્નલ બોન્ડિંગ પણ વધ્યું. સંતાનોના ઉછેરમાં માતાનો ફાળો તો અમૂલ્ય છે જ, પરંતુ પિતાની ભૂમિકા અવગણી શકાય તેમ નથી એ બતાવતા સંશોધનો શરૂ થયા છે. પ્રેગનેન્સી વખતે સંતાનના જન્મ પછી માતાના શરીરમાં, મસ્તિષ્કમાં ઘણાં ફેરફારો થાય છે. એના કેટલાય રિસર્ચ થયા છે. ફેરફારો પિતાના મસ્તિષ્કમાં પણ થાય છે એ ઓછું જાણીતું છે.
સાઉથર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોના અહેવાલમાં કહેવાયું કે બાળકના જન્મ પછી પિતાના બ્રેઈનમાં કેટલાક રસાયણોની વધઘટ થાય છે. ટેસ્ટોસ્ટેરોનનો પ્રવાહ ઘટે છે. સામાન્ય રીતે ટેસ્ટોસ્ટેરોન ઉંમર વધે એમ ઘટે છે. આ હોર્મોન્સમાં ઘટાડો થાય એટલે માણસને ઉંમર વધી હોવાનું ફીલ થાય છે. સંતાનોના જન્મ પછી એટલે જ પુરુષને મોટા થઈ ગયાનું લાગતું હશે! ને કદાચ એટલે અમુક પ્રકારની ગંભીરતા આવી જતી હશે.ઓક્સિટોસીન કે જે લવ હોર્મોનના નામે ઓળખાય છે. સંતાનના જન્મ પછી માના શરીરમાં એ વધે છે એટલે એને સારું ફીલ થાય છે. અત્યાર સુધી એવી જ માન્યતા હતી કે સંતાનના જન્મ પછી માત્ર માતાના શરીરમાં જ એની વધ-ઘટ થાય છે, પરંતુ નવા રિસર્ચ સજેસ્ટ કરે છે કે પિતાના શરીરમાં પણ વધઘટ થાય છે. ઘણી માતાઓને બાળકના જન્મ પછી ડિપ્રેશન આવતું હોય છે. એમાં બાળકના ઉછેર પાછળ અપૂરતી ઊંઘ જેવા કારણો જવાબદાર હોય છે, એવા જ ચિહ્નો પિતાના શરીરમાં જોવા મળ્યા હતા. ફ્રાન્સની પીએસએલ રિસર્ચ યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન વિભાગના સંશોધનમાં આ તારણ અપાયું હતું.
સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ વિશાળ સેમ્પલ સર્વેના આધારે તારણ આપ્યું એ જાણવા જેવું છે. સંશોધકોએ જોયું કે જે બાળકો માતા-પિતા બંને સાથે મોટા થયા હતા તેમને ઈમોશન કંટ્રોલ કરવામાં સારી ફાવટ હતી. જે બાળકો એકલા માતા પાસે ઉછર્યા હતા તેઓ વધુ લાગણીશીલ હતા. એમાંથી ઘણાં ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. એકલા પિતા સાથે મોટા થયેલા બાળકો હઠીલા હતાં. ઈમોશનની એમના પર એટલી અસર થતી ન હતી. સંશોધકોએ નોંધ્યું: ‘માતા-પિતાની સાથે રહેલા બાળકોમાં ઈમોશન અને પ્રેક્ટિકલ બાબતોનું સંતુલન બનતું હતું.’ આ વાત આમ કંઈ અજાણી નથી. જનરલ ઓબર્ઝર્વેશનમાં એની ખબર પડતી હોય છે, પણ હવે સાયન્સ એના પર મહોર મારે છે.
અમેરિકન ઈન્સ્ટિટયૂટ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્મુમન ડેવલપમેન્ટે એક ગ્લોબલ સર્વે કર્યો. બાળકના કેરગિવિંગ યાને સાર-સંભાળમાં મમ્મીનો ફાળો કેટલો અને પપ્પાનો રોલ કેટલો? છેલ્લાં બે દશકામાં બદલાયેલા પેરેન્ટિંગના સંદર્ભમાં આ સર્વે કર્યા પછી તારણ આપ્યું કે અર્બન વિસ્તારોમાં બાળકની સાર-સંભાળ માત્ર માતાની જવાબદારી ગણાતી નથી. એમાં પિતાનોય એટલો જ હિસ્સો છે. જન્મ પછી જ્યારે બાળકની ઊંઘની સાઈકલ વારંવાર બદલતી હોય ત્યારે રાતે એની કાળજી રાખવામાં મમ્મીઓ જેટલો જ રોલ પપ્પાઓનો પણ હોય છે. રાતે મમ્મીની સાથે પપ્પા જાગીને બાળક સાથે રમે છે, એની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. ઈનફેક્ટ, ઘણા કિસ્સામાં તો માતાને બદલે પિતા જાગે છે.
દુનિયાભરના ચાઈલ્ડ હેલ્થ કેર એક્સપર્ટ્સના ઓપિનિયન લેવાયા. એ સૌ એકમત હતા કે મોડર્ન કેરગિવિંગની પદ્ધતિ બદલાઈ ગઈ છે. મા બાળકનો ઉછેર કરે અને બાપ ભવિષ્યની ચિંતા કરે એ જૂની વાત થઈ ગઈ. છેલ્લાં બે-ત્રણ દશકાથી સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા આવી છે ત્યારથી સાર-સંભાળ બંને કરે છે, ડાઈપર્સ બંને બદલે છે ને ભવિષ્યની ચિંતાય બંને કરે છે. સદીઓથી બાળકને મોટા કરવાની જિમ્મેદારી માત્ર માતાની લેખાતી હતી. હવે પિતાનું ઈન્વોલ્વમેન્ટ શરૂઆતથી જ હોય છે.
વેલ, સાહિત્યથી લઈને સાયન્ટિફિક રિસર્ચ સુધી બધે જેટલું મહત્ત્વ માતાને મળ્યું છે એટલું પિતાને મળ્યું નથી. અપવાદો છે ખરાં, પણ બહુમતી સાયન્ટિફિક રિસર્ચ, સાહિત્યક સર્જનો માતા માટે થયા છે ને એમાં ખોટું નથી જ. જેમ જનનીની જોડ નહીં મળે એમ જનક પણ જોડમાં નહીં મળે. મા સંતાનની બૂરાઈને નોટ કરતી નથી, પણ પિતા એનું સમગ્ર વ્યક્તિત્વ જુએ છે.શેક્સપિયરે કહેલું: સંતાનોની ખૂબી, વિશેષતાઓ જુએ એ મા. જરૂરિયાત, આવડત, અણઆવડત બરાબર પારખે એ પિતા. ગ્રીક કહેવત છે: પિતા સંતાનને કેટલો પ્રેમ કરે છે એ કહેતા નથી, જીવી બતાવે છે.
હેપી ફાધર્સ ડે!
બાળકના જન્મ પછી પિતાનું નસીબ સાચ્ચે જ બદલાય છે!મોટાભાગના લોકોને આપણે એવું કહેતાં સાંભળીએ છીએ કે સંતાનના જન્મ પછી એનું નસીબ બદલાઈ ગયું. બાળકના જન્મ પછી પિતાને સારી તક મળી હોય કે પ્રગતિ થઈ હોય એવું બનતું હોય છે. બાળક એનું નસીબ લઈને જન્મતું હોય છે એટલે એની સાથે ફેમિલીને લાભ થતો હોય છે. ઘણાં માને છે કે તેમની વર્ષો જૂની ઉઘરાણી બાળકના જન્મ પછી નીકળી ગઈ. ઘણાંના મકાન-દુકાનના સોદા પાર પડી જાય છે. આ બધું એક્સ ફેક્ટર છે. કેમ, કેવી રીતે બને છે એ ખબર પડતી નથી, પરંતુ સાયન્સને આમાંય કશુંક કહેવું છે. મનોવિજ્ઞાાન તારણો આપે છે કે સંતાનના જન્મ પછી પિતાને નસીબ બદલાયાનું એટલે લાગે છે કે બાળક સાથે સમય વીતાવવાથી, રમતો રમવાથી વર્તનમાં એક હકારાત્મકતા આવે છે. એની સીધી અસર કામ પર પડે છે. પર્ફોર્મન્સ સુધરે છે. સકારાત્મક વલણના કારણે સ્વભાવ નરમ બને છે. વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ આવે છે. આ બધાની અસર થતી હોવાથી ભાગ્ય બદલાય જાય છે. માત્ર ડેડનું જ શું કામ? મોમનું નસીબ પણ બદલાય છે. પહેલાં ફાધર પર ઘરની ઈકોનોમીનો આધાર હતો એટલે પિતાનું નસીબ પલટાતું હતું. હવે મોમ-ડેડ બંનેનું નસીબ બાળકના આગમન પછી બદલાય છે.