વિચાર-વીથિકા-દેવેશ મહેતા.આમ્રપાલી તેનો મહેલ, ધનભંડાર, ભોગ-વિલાસ છોડી એનું ઘૃણિત જીવન સુધારવા માંગતી હોય તો મારે તેના નિમંત્રણનો સ્વીકાર કરવો યોગ્ય જ છે ને?
આમ્રપાલી જેન અમ્બાપાલિકા, અમ્બાપાલી કે અમરા નામથી પણ ઓખવામાં આવે છે, લગભગ ૫૦૦ ઇ.પૂ. પ્રાચીન ભારતમાં વૈશાલી ગણરાજ્ય (જે અત્યારે બિહારનો એક ભાગ છે)ની અપાર સૌંદર્ય ધરાવતી પ્રતિભાવાન નગરવધૂ (શાહી ગણિકા) હતી. આમ્રપાલીએ રાજનર્તકી (દરબારની નૃત્યાંગના)ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. પોતાના સૌંદર્યની તાકાતથી અનેક સામ્રાજ્યોને નેસ્તનાબૂદ કરી દેનારી આમ્રપાલીનો જન્મ આમ્રકુંજમાં થયો હોવાનું મનાય છે. આંબા (આમ્ર)ના વૃક્ષ નીચે તે મળી આવી હોવાને લીધે તેનું નામ ‘આમ્રપાલી’ પાડવામાં આવ્યું હતું. તે વૈશાલી ગણતંત્રના મહાનામા નામના એક સામંતને મળી હતી. તે સામંત રાજસેવાનો ત્યાગ કરી આમ્રપાલીને લઇ વૈશાલીની નિકટ અત્યારે અંબારા ગામ છે. ત્યાં ચાલ્યો ગયો હતો. જ્યારે આમ્રપાલીની ઉંમર ૧૧ વર્ષની થઇ ત્યારે તે સામંત તેને લઇને પાછો વૈશાલી આવી ગયો હતો.
ઇતિહાસકારો માને છે કે, અગિયાર વર્ષની નાની ઉંમરમાં જ આમ્રપાલીને સર્વશ્રેષ્ઠ સુંદરી ઘોષિત કરી ેદવામાં આવી હતી. ઉંમર વધવા સાથે વધુને વધુ આકર્ષક, માદક દેહ લાલિત્ય પ્રાપ્ત કરતી જતી આમ્રપાલીને નગરવધૂ કે ‘વૈશાલી જનપદ કલ્યાણી’ બનાવી દેવામાં આવી હતી. વૈશાલીની લિચ્છીવી જનજાતિના શાસનની તત્કાલીન પ્રથા હતી કે દેશની સર્વાધિક સુંદર સ્ત્રીઓને એક પુરુષ સાથે લગ્ન કરવાને બદલે પોતાને અનેક લોકોની ખુશી માટે સમર્પિત કરી દેવી પડતી હતી. આમ્રપાલીને પણ તે રીતે રાજવી ગણિકા બનાવી દેવાઇ હતી. તેનું અપ્સરા જેવું દેહ લાલિત્ય, માદક અંગભંગિમા વ્યક્ત કરતું નૃત્ય જોઇ મોટા મોટા રાજાઓ, રાજકુમારો, સામંતો, શ્રીમંતો અને પ્રજાજનો તેમના હોશ – હવાસ ગૂમાવી દેતા. વૈશાલી રાજા મનુદેવ, સમ્રાટ બિંબિસાર, એમનો પુત્ર અજાતશત્રુ જેવા કેટલાય રાજવંશીઓ આમ્રપાલીથી મોહિત અને આકર્ષિત થયેલા હતા. બૌદ્ધ પરંપરા અનુસાર બિંબિસારના પુત્ર અજાતશત્રુએ એના ભાઇઓ સાથે વિવાદને કારણે વૈશાલી પર આક્રમણ કર્યું હતું. તે આમ્રપાલીની સુંદરતાથી એટલો પ્રભાવિત થયો હતો કે, જ્યારે આમ્રપાલીને કેદ કરી લેવામાં આવી ત્યારે તેણે આખી વૈશાલીને આગ લગાડી બાળી નાંખી હતી. ભીષણ નરસંહારમા એની પ્રિય આમ્રપાલીને બાદ કરતાં લગભગ બધા લોકો મરી ગયા હતા. આમ્રપાલીની નૃત્ય, સંગીત કલા જોવાની કિંમત એક રાત્રિના પચાસ કાર્ષાપના હતી. એનો ખજાનો રાજાના ખજાનાથી પણ મોટો હતો.
જ્ઞાન પ્રાપ્તિના પાંચ વર્ષ પછી ભગવાન બુદ્ધનું વૈશાલીમાં આગમન થયું ત્યારે તેમની કીર્તિ સાંભળી એમના સ્વાગત માટે સોળ શણગાર સજીને એની પરિચારિકાઓ સાથે આમ્રપાલી ગંડક નદીના તીરે પહોંચી હતી. એકવાર ભગવાન બુદ્ધ વિચરતાં વૈશાલીના વન વિહારમાં આવ્યા. એમના દર્શન કરવા અનેક નગરજનો ઉમટયા હતા. બધા લોકો એવું ઇચ્છતા હતા કે તથાગત તેમનું નિમંત્રણ સ્વીકારી એમને ઘેર ભોજન લેવા પધારે. વૈશાલીની સુંદર, રૂપજીવિની, ગણિકા આમ્રપાલી પણ ભગવાન બુદ્ધના તપસ્વી જીવન અને જ્ઞાનથી પ્રભાવિત થઇ ચૂકી હતી અને તે પોતાનું ઘૃણિત જીવન બદલી ભિક્ષુણી બનવા માંગતી હતી. તે કારણે તે પણ ત્યાં આવી પહોંચી હતી. તેણે બુદ્ધને પોતાના મહેલમાં પધારી ભોજન લેવા નિમંત્રણ આપ્યું અને પોતાને ભિક્ષુણી બનાવવા નમ્ર અનુરોધ કર્યો. ભગવાન બુદ્ધે તેના નિમંત્રણનો સ્વીકાર કર્યો. તેમના મહેલમાં ગયા, તેની સાથે ભોજન કર્યું, તેને ભૂતકાળનુ જીવન ભૂલી જવા અને ધર્મના માર્ગે નવું જીવન જીવવા પ્રેરણા, પ્રોત્સાહન અને બળ પૂરું પાડયું. બૌદ્ધસંઘમાં સ્ત્રીઓનો સમાવેશ કરાતો નહોતો પણ આમ્રપાલીની ઉત્કટ ઇચ્છા અને નિષ્ઠા, ધર્મ પરત્વે જાગેલી પ્રીતિ જોઇને ભગવાન બુદ્ધે આમ્રપાલીને ભિક્ષુણી બનાવી સંઘના ધર્મપ્રસારના કાર્યમાં જોડી દીધી. ત્યારથી સંઘમાં સ્ત્રીઓને પણ પ્રવેશ અપાતો થયો.
કેટલાક શિષ્યોને ભગવાન બુદ્ધનું એક ગણિકાને ઘેર જઇ ભોજન લેવાની ક્રિયા ન ગમી. તેમણે આ વિશે જણાવ્યું ત્યારે તથાગત બુદ્ધે તેમને કહ્યું હતું – ‘હે શ્રાવકો, તમને એ વાતનું આશ્ચર્ય થાય છે કે હું એક ગણિકાના ઘેર કેમ ગયો અને તેના ઘેર તેની સાથે મેં ભોજન કેમ કર્યં તો એનું કારણ એ છે કે ભલે તે એક ગણિકા છે પણ તેણે અત્યારે પશ્ચાત્તાપના પાવન અગ્નિમાં તેના બધા પાપ બાળી નાંખ્યા છે. હવે તેનું અંતઃકરણ નિર્મળ બની ગયું છે. તેને ગણિકા, નગરવધૂ બનાવાઇ તેમાં તેના કરતાં તેનો સમાજ વધારે જવાબદાર છે. હવે તેને જીવનનો રાહ બદલવો છે, ધર્મના માર્ગે પુણ્ય કર્મ કરવા છે તો એના જીવનને ઉત્તમ શા માટે ના બનવા દેવું ? આમ્રપાલી તેનો મહેલ, ધનભંડાર, ભોગ-વિલાસ છોડી એનું ઘૃણિત જીવન સુધારવા માંગતી હોય તો મારે તેના નિમંત્રણનો સ્વીકાર કરવો યોગ્ય જ છે ને ?’ આ રીતે ભગવાન બુદ્ધના થોડા સમયના સંગથી નગરવધૂ આમ્રાપાલીનું જીવન સુધરી ગયું. તેણે બૌદ્ધ ભિક્ષુણી બની અનેક ધર્મકાર્યો કરી આત્માનો ઉધ્ધાર કરી લીધો.