આરટીઓ વિભાગની 3 દિવસથી ચેકિંગ ઝુંબેશ આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલા તંત્ર દોડતું થયું

રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બની રહેલી આકસ્મિક ઘટનાઓને લઈ આણંદ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓના પરિવહન અર્થે વપરાતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આણંદની સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તા.૧૩મી જૂનના રોજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે. જો કે, જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ ગત તા.૧૦મી જૂનના રોજથી ધમધમતી થઈ છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ છેલ્લા ઘણા દિવસોથી સૂમસામ પડેલી શાળાના કેમ્પસ વિદ્યાર્થીઓની કોલાહલથી ગુંજી ઉઠશે. જો કે, રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા મામલે લાલ આંખ કરતા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ કરાયા હતા. વિદ્યાર્થીઓ સ્કૂલવાન મારફતે પરિવહન કરતા હોવાથી અને મોટા ભાગે સ્કૂલવાનમાં ઈંધણ તરીકે સીએનજી ગેસનો વપરાશ થતો હોવાથી આરટીઓ વિભાગ દ્વારા કોઈ હોનારત ન સર્જાય તે માટે છેલ્લા ત્રણ દિવસથી વિશેષ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરટીઓ અધિકારી એમ.વી. પરમારના જણાવ્યા મુજબ, ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવા, વાહનના સીએનજીના સિલિન્ડર ટેસ્ટીંગ, પરમીટ, ફિટનેસ અને શાળાના બાળકોના પરિવહનના નિયમ અનુસારની જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે કે કેમ તે અંગે છેલ્લા ત્રણ દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યંુ છે.  જેમાં ૧૦થી વધુ વાહનો જોગવાઈઓનો ભંગ કરાતો હોવાનું માલૂમ પડતા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. શૈક્ષણિક સત્ર ચાલુ થતાં બાળકોની સલામતી અર્થે આ ચેકીંગ ઝૂંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે અને જે પણ વાહન ધારાધોરણનું પાલન કરતું ન હોઈ તેને ડીટેઈન કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *