આતંકીઓએ ઘાત લગાવી ડ્રાઇવર પર ગોળીબાર કરતા બસ ખાઇમાં ખાબકી. શ્રદ્ધાળુઓ શિવ ખોરી મંદિરે ભગવાન શિવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે જંગલમાં છૂપાયેલા આતંકીઓએ હુમલો કર્યો. અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ પૂંચ, રાજૌરી અને રિયાસીમાં આતંકીઓની શોધખોળ માટે મોટા પાયે તપાસ અભિયાન.
જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. રવિવારે શંકાસ્પદ આતંકીઓએ શ્રદ્ધાળુઓની એક બસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૧૦ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા તે નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે. બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરત ફરી રહી હતી ત્યારે વચ્ચે જ આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
જમ્મુ કાશ્મીર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી બસ રિયાસી જિલ્લાના રાંસૂમાં આવેલા શિવ ખોરી મંદિરેથી કટરા તરફ જઇ રહી હતી. મંદિરે શિવના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ આ બસમાં સવાર હતા. આ દરમિયાન આતંકીઓએ કાંડા ચંડી વિસ્તારમાં બસના ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. જેને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા શ્રદ્ધાળુઓ સાથે તે ખાઇમાં ખાબકી હતી. આ ઘટનાની જાણકારી રિયાસીના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવી હતી. ઘટના બાદ તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા. એવા અહેવાલો છે કે આતંકી હુમલામાં ૩૦થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. જેમાં અનેકની સ્થિતિ ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે રાજોરી જિલ્લાની સરહદે આવેલો છે. રાજોરીમાં અગાઉ અનેક વખત આતંકી હુમલા થઇ ચુક્યા છે. ઘટના બની તે પહેલા આ વિસ્તારમાં આતંકીઓ સક્રિય હોવાની માહિતી મળી હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલીક દોડી ગયા હતા અને શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બસ પર હુમલો કરવામાં આવ્યો તે જંગલ વિસ્તાર છે. આતંકીઓએ આયોજનપૂર્વક આ હુમલો કર્યો હોવાની શક્યતાઓ છે. જંગલમાં વૃક્ષોની આડમાં છુપાયેલા આતંકીઓએ ઘાત લગાવીને ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ હુમલો થયો તે જંગલમાં પણ આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. એવા અહેવાલો છે કે આતંકીઓ રાજોરી, પૂંચ અને રિયાસી વિસ્તારમાં હોઇ શકે છે.
શપથ ગ્રહણ વચ્ચે હુમલો, આતંક સામે પગલાના દાવા ખોખલા કોંગ્રેસ.
શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોદી (હવે એનડીએ) સરકાર દ્વારા શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાના દાવા ખોખલા સાબિત થઇ રહ્યા છે. આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેટલાક દેશોના મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં પધાર્યા છે. આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ઇરાદાપૂર્વક કરવામાં આવેલા અપમાનની અમે સ્પષ્ટ રુપે ટિકા કરીએ છીએ. જે લોકો માર્યા ગયા કે ઘવાયા છે તેમને વધુ વળતર આપવું જોઇએ તેવી માગ કરીએ છીએ.