11 મહિના પહેલાં ફિલ્મની જાહેરાત કરાઈ હતી.
હજુ પ્રિ પ્રોડક્શન જ ચાલી રહ્યું હોવાનો દાવો પણ ફિલ્મ પડતી મૂકાઈ ગયાની પણ ચર્ચા.
‘રાંઝણા’ જેવી ફિલ્મ માટે કોલબરેશન કરી ચૂકેલા ધનુષ અને આનંદ એલ રાયે ગત વર્ષે જૂનમાં ‘તેરે ઈશ્ક મેં’ ફિલ્મ જાહેર કરતાં આ એક્ટર અને ફિલ્મ સર્જક બંનેના ચાહકો ખુશ થયા હતા. પરંતુ, જાહેરાતના ૧૧ માસ પછી પણ આ ફિલ્મમાં કોઈ પ્રગતિ નહિ સધાતાં અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. આનંદ એલ રાય હજુ પણ ફિલ્મના પ્રિ પ્રોડક્શનમાં જ વ્યસ્ત છે. ધનુષ સામે હિરોઈન કોણ હશે તે પણ હજુ જાહેર કરાયું નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ હજુ ફાઈનલ થઈ નથી. આ ફિલ્મ ક્યારે ફલોર પર જશે તે અંગે અટકળો સેવાય છે. ધનુષ પોતાની તમિલ ફિલ્મોનું શૂટિંગ ધડાધડ કરી રહ્યો છે. તમિલ ઈન્ડસ્ટ્રી બહુ શિસ્તબદ્ધ રીતે કામ કરતી હોવાથી ધનુષ આ ફિલ્મ ખાતર ત્યાંની ડેટ્સ ટાળી શકે તેમ નથી.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના દાવા અનુસાર આગામી દિવાળી સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે, આનંદ એલ. રાયની પાછલી કેટલીક ફિલ્મો બહુ બેકાર બની હોવાથી તથા બોક્સ ઓફિસ પર ફલોપ થઈ હોવાથી તેઓ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યા છે. ‘રાંઝણા’ની જેમ આ ફિલ્મમાં પણ ઉત્તર ભારતનો બેક ડ્રોપ હશે. અગાઉ આ ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ કરી દેવાનું વિચારાયુ ંહતું પરંતુ હાલની પ્રગતિ જોતાં સમયસર રીલિઝ અંગે આશંકા સેવાય છે.