શેરબજારની માર્કેટ કેપ રોકેટ બની, આંકડો 5 લાખ કરોડને વટાવી ગયો

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયા બાદ હવે બે તબક્કાનું મતદાન બાકી રહ્યું છે અને પરિણામો ૪, જૂનના આવતાં પૂર્વે કેન્દ્રમાં સ્થિર મજબૂત સરકાર રચાવા જઈ રહ્યાના પ્રબળ આશાવાદે આજે ભારતીય શેર બજારોમાં રોકાણકારોની સંપતિ એટલે કે કુલ માર્કેટ કેપિટલાઈઝેશને ઈન્ટ્રા-ડે પાંચ લાખ કરોડ ડોલરનો પડાવ પાર કર્યો હતો. માર્કેટ કેપ ઈન્ટ્રા-ડે રૂ.૪૧૪.૭૫ લાખ કરોડ એટલે કે પાંચ લાખ કરોડ ડોલર પહોંચી ગયું હતું. આ સાથે વિશ્વમાં અત્યારે પાંચ લાખ કરોડ ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતાં કલબમાં પ્રવેશનાર ભારત પાંચમો દેશ બન્યો છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ગત સપ્તાહના છેલ્લા બે દિવસમાં વેચવાલી ધીમી પડીને ખરીદદાર બની રહ્યાના આંકડાકીય પોઝિટીવ સંકેત અને લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સતત વધતી રહેતાં સેન્ટીમેન્ટ તેજીનું  બન્યું છે. અલબત આજે બેંકિંગ, આઈટી, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીના કારણે સેન્સેક્સ ૫૨.૬૩ પોઈન્ટ ઘટીને ૭૩૯૫૩.૩૧ બંધ રહ્યા સામે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ મેટલ-માઈનીંગ શેરો અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓના શેરોમાં તેજીના જોરે ૨૭.૦૫ પોઈન્ટ વધીને ૨૨૫૨૯.૦૫ બંધ રહ્યો હતો.

અગાઉ ગત સપ્તાહમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહે શેર બજારમાં તાજેતરના દિવસોની વોલેટીલિટીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ સાથે નહીં સાંકળવા અને ૪, જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય બાદ શેર બજારોમાં તોફાની તેજી જોવાશે એવું જણાવી  આ પહેલા ખરીદી કરવી હોય તો કરી લેવા તેમણે રોકાણકારોને જણાવ્યું હતું. ત્યાર  બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ટીવી ચેનલને મુલાકાતમાં ભારતીય શેર બજારો એનએસઈ અને બીએસઈમાં ૪, જૂન બાદ નવા રેકોર્ડ સર્જાતાં જોવાશે એવું પોઝિટીવ નિવેદન કરતાં શેર બજારોમાં રોકાણકારોની ખરીદી વધતી જોવાઈ છે.

આ પોઝિટીવ નિવેદન અને ચૂંટણીના અત્યાર સુધીના મતદાનના અંદાજો કેન્દ્રમાં ઐતિહાસિક મજબૂત સ્થિર સરકાર રચાવા જઈ રહ્યાના અનુમાને આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ ઈન્ટ્રા-ડે રૂ.૪૧૪.૭૫ લાખ કરોડ એટલે કે પાંચ લાખ કરોડ ડોલરનો આંક પાર કરી ગયા બાદ અંતે રૂ.૨.૨૭ લાખ કરોડ વધીને રૂ.૪૧૪.૬૨ લાખ કરોડ એટલે કે ૪.૯૮ લાખ કરોડ ડોલર રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતીય શેર બજારોનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૯, નવેમ્બર ૨૦૨૩ના ચાર લાખ કરોડ ડોલર હતું, એ આજે ૨૧, મે ૨૦૨૪ના પાંચ લાખ કરોડ ડોલર પાર કરતાં છ મહિનાથી પણ ઓછો સમય લાગ્યો છે.

વિશ્વમાં પાંચ લાખ કરોડ ડોલરથી વધુ માર્કેટ કેપ. ધરાવતા માત્ર ચાર દેશો

વિશ્વમાં અત્યારે પાંચ લાખ કરોડ ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતાં દેશોમાં માત્ર ચાર દેશોનો સમાવેશ છે. જેમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગનો છે. અમેરિકાનું માર્કેટ કેપિટલાઈઝેશન ૫૫.૬૫ લાખ કરોડ ડોલર, ત્યાર બાદ ચીનનું ૯.૪ લાખ કરોડ ડોલર, જાપાનનું ૬.૪૨ લાખ કરોડ ડોલર અને હોંગકોંગનું ૫.૪૭ લાખ કરોડ ડોલર છે.

બજારમાં કોની પાસે કેટલી સંપત્તિ

રોકાણકાર વર્ગહિસ્સો (%)સંપત્તિ રૂ. લાખ કરોડ
ખાનગી માલિકો૪૧૧૬૯.૯૯
મ્યુચ્યુઅલ ફંડ અને સ્થાનિક સંસ્થા૧૬.૦૫૬૬.૫૪
વિદેશી ફંડસ૧૭.૬૮૭૩.૩૦
સરકારી માલિકી૧૦.૩૮૪૩.૦૩
રિટેલ રોકાણકાર૭.૫૦૩૧.૦૯

(માર્ચ ૨૦૨૪ના અંતે શેરહોલ્ડીંગ આધારિત)

માર્કેટ કેપવર્ષ
મે ૨૦૦૭
જુલાઈ ૨૦૧૭
મે ૨૦૨૧
નવેમ્બર ૨૦૨૩
મે ૨૦૨૪