ખેડાના વાટા ફળિયામાં બંધ મકાનના તાળાં તૂટયાં.
દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ લોખંડ અને લાકડાની તિજોરીમાં હાથ ફેરો કર્યો.
ખેડા શહેરમાં રહેતો વેપારી પરીવાર બેસણામાં ગયો અને તસ્કરો તેમના બંધ મકાનમાં ઘુસી કળા કરી જતા ચકચાર મચી છે. રાત્રિના સમયે તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કરી લાકડા અને લોખંડની તીજોરીમાં મૂકેલા ૨.૮૯ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ભાગી ગયા છે. જેની જાણ વેપારીને થતાં તેઓ તુરંત દોડી આવી આ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ખેડા શહેરમાં વાટા ફળીયું વિસ્તારમાં આધ્યાશક્તિ મંદિર પાસે ૪૬ વષય જયદીપસિંહ સજ્જનસિંહ ચૌહાણ રહે છે. તેઓ પોતે શહેરમાં ગાંધીચોક વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસની દુકાન ચલાવે છે.
ગત ૧૬મી મેના રોજ સવારના ૬ વાગ્યાના સુમારે તેઓ પરિવારના સભ્યો સાથે તેમના મૂળ વતન સડા, મહીસાગર ખાતે કૌટુંબિક કાકીના અવસાન નિમિત્તે બેસણામાં ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે કોઈ અજાણ્યા તસ્કરો વેપારીના બંધ મકાનમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો છે. મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ લોખંડની તેમજ લાકડાની તિજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા. પડોશી મારફતે બીજા દિવસે જયદીપસિંહને જાણ થતાં તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ગામડેથી ખેડા આવી પહોંચ્યા હતા. ઘરમાં તપાસ કરતા ઘરનો સરસામાન વેરણછેરણ હતો અને તીજોરીમાં મુકેલા સોનાના જુદા જુદા દાગીના કુલ કિંમત રૂપિયા ૨.૮૯ લાખની મત્તાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આથી આ બનાવ મામલે જયદીપસિંહ સજજનસિંહ ચૌહાણે ગતરોજ ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.