- મહારાષ્ટ્રની સભાઓમાં પીએમએ ફરી તુષ્ટીકરણનો મુદ્દો ઉછાળ્યો
- અગાઉ યુપીએ સરકાર વખતે ભાજપે ઈરાદો નિષ્ફળ બનાવ્યો હતો પણ હવે સત્તા પર આવશે તો ફરી પ્રયાસ કરશે
કોંગ્રેસ અગાઉ યુપીએ શાસન વખતે દેશનું 15 ટકા બજેટ લઘુમતીઓને ફાળવવાનો ઈરાદો સેવતી હતી. પરંતુ, ભાજપના આકરા વિરોધને કારણે તેનો અમલ થયો ન હતો. પરંતુ જો હવે કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો ફરી તે માટે પ્રયાસો કરશે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પોતે કોંગ્રેસના ધર્મ આધારિત પ્રયાસને ક્યારેય સફળ થવા દેશે નહીં તેમ કહેતાં વડાપ્રધાને યાકુબ મેમણની કબરને શણગારનાર અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ ઠુકરાવનાર કોંગ્રેસને પાઠ ભણાવવાની અપીલ કરી હતી
મહારાષ્ટ્રમાં આજે વડાપ્રધાન નાશિક નજીક પીપલગાંવ બસવંત તથા મુંબઈ નજીકના કલ્યાણ ખાતે ચૂંટણી સભાઓને સંબોધન કર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે હું જ્યારે ગુજરાતનો સીએમ હતો ત્યારે ત્યારની યુપીએ સરકારે બજેટનો ૧૫ ટકા હિસ્સો લઘુમતીઓને ફાળવવાની હિલચાલ શરુ કરી હતી. પરંતુ, ભાજપે તેનો વિરોધ કર્યો હતો. હવે કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો તે માટે પ્રયાસ કરશે. યુપીએ સરકારના વડાપ્રધાન મનમોહનસિંઘ પણ દેશના સંસાધનો પર કોંગ્રેસનો અધિકાર છે તેવું કહી ચૂક્યા છે.
તેમણે કહ્યુ ંહતું કે ડો. આંબેડકર ધર્મ આધારિત અનામતના વિરોધી હતા પરંતુ કોંગ્રેસ એસસી, એસટી, ઓબીસીના અધિકારો છીનવી તેમના ભાગની અનામત મુસ્લિમોને આપી દેવાનો ઈરાદો સેવે છે. પણ હું વંચિત વર્ગોના અધિકારોનો ચોકીદાર છું. કોંગ્રેસના ઈરાદા ક્યારેય બર નહિ આવવા દઉં એમ તેમણે કહ્યું હતું.
છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારે ધર્મને ધ્યાનમાં લીધા વિના નિ:શુલ્ક રાશન, પાણી, વીજળી, ઘર અને ગેસ કનેક્શન આપ્યાં છે. અમારી કલ્યાણકારી યોજના સૌ માટે છે એમ તેમણે કહ્યું હતું.
એન.સી.પી.ના સ્થાપક અને દિગ્ગજ નેતા શરદ પવારનું નામ લીધા વિના મોદીએ તેમના પર નિશાન તાકતા કહ્યું કે મહારાષ્ટ્રના એક ઇન્ડિયા ગઠબંધનના નેતા જાણે છેે કે કોંગ્રેસ ચૂંટણીમાં ખરાબ રીતે પરાજિત થઇ રહી છે. તેથી તેમણ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસમાં ભલી જશે તેમ જણાવ્યું છે. જ્યારે નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તે દિવસે હું દિવંગત બાળ ઠાકરેને યાદ કરીશ. તેમણે જ કલમ 370 ની નાબૂદી તથા અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણનું સપનું જોયું હતું. નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે ત્યારે બાળ ઠાકરેનો આત્મા ભારે સંતાપ અનુભવશે. નકલી શિવસેનાના નેતાઓમાં હિંમત હોય તો કોંગ્રેસના શહેઝાદાને વીર સાવરકર પર પાંચ લીટીઓ બોલી બતાવવા જણાવવુંં જોઈએ એમ તેમણે કહ્યું હતું.