પાકિસ્તાનની ડુંગળી સસ્તી રહેતા નિકાસ બજારમાં ભારતના માલની ઓછી માંગ.

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ભારતે ઉઠાવી લીધો હોવા છતાં નિકાસ મથકોએ દેશનીડુંગળીના ઊંચા ભાવને પરિણામે ભારતની ડુંગળીના કોઈ લેવાલ નથી. મંદ નિકાસને પરિણામે  ઘરઆંગણે ભાવ  લગભગ સ્થિર જોવા મળી રહ્યા છે. સ્થાનિક લાસલગાઁવ  હોલસેલ બજારમાં કાંદાના પ્રતિ કિલો ભાવ રૂપિયા ૧૮થી ૨૦ સ્થિર જળવાઈ રહ્યા છે. ભારતે નિકાસ પ્રતિબંધ ઉઠાવી લીધો છે પરંતુ પ્રતિ ટન ૫૫૦ ડોલર લઘુત્તમ નિકાસ ભાવ નિશ્ચિત કર્યો છે અને ૪૦ ટકા એકસપોર્ટ ડયૂટી લાગુ કરી છે. આને કારણે પાકિસ્તાન કરતા આપણા કાંદા વિશ્વ બજારમાં મોંઘા પડી રહ્યાનું એક નિકાસકારે જણાવ્યું હતું. 

નિકાસ ઉઠાવી લેવાયા બાદ ભાવ ઊંચકાશે તેવી ટ્રેડરોની અપેક્ષા ફળીભૂત થઈ નથી.નિકાસ બજારમાં ભારત કરતા પાકિસ્તાનના કાંદા સસ્તા મળતા હોવાથી ભારતના ડુંગળીના આયાતકારો પાકિસ્તાનના કાંદા ખરીદી રહ્યા છે. નિકાસ પ્રતિબંધને કારણે ભારતના પરંપરાગત આયાતકારોએ આ અગાઉ જ પાકિસ્તાન ખાતેથી  ઊંચા ભાવના કાંદા ખરીદ કરી લીધા છે, માટે ભારતના ટ્રેડરો નિકાસ પૂછપરછ આવતી નહીં હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.

ભારતે પ્રતિબંધ ઉઠાવી લેતા વિશ્વ બજારમાં કાંદાના ભાવમાં પચાસ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો છે. મલેશિયા, યુકે, શ્રીલંકા તથા યુએઈ ભારતના કાંદાના મુખ્ય ખરીદદાર દેશો છે, પરંતુ તેમની પાસે હાલમાં પાકિસ્તાનના કાંદાનો સ્ટોકસ  જમા પડયો છે. આ સ્ટોક ખાલી થતાં હજુ પખવાડિયુ લાગશે અને ત્યારબાદ ભારતના કાંદાની વિશ્વ બજારમાં માગ નીકળવા અપેક્ષા હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.