કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)નો દર જાન્યુઆરી-2024 સુધીમાં 50 ટકા અથવા તેથી વધુ વધવાની સંભાવના છે. હાલ મોંઘવારી ભથ્થાનો દર 7માં પગાર પંચની ભલામણના આધારે નક્કી કરાય છે. ગત પગાર પંચે એવી ભલામણ પણ કરી હતી કે, ફુગાવાની અસરને બેઅસર કરવા માટે ભવિષ્યમાં પગાર સુધારો ત્યારે કરવામાં આવે જ્યારે ડીએ-ડીઆર મૂળ વેતનથી 50 ટકા અથવા તેથી વધુ વધી જાય. આ બાબતને જોતા એવો પ્રશ્ન જરૂરથી થાય કે, શું સરકાર 8મું પગાર પંચ સ્થાપવાનું વિચારી રહી છે ? ત્યારે આ મામલે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી મહત્વનું નિવેદન આપ્યું છે.
8મું પગાર પંચ સ્થાપવાનો હાલ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી : નાણા મંત્રાલય
નાણાં મંત્રાલય મુજબ આઠમાં પગાર પંચ સ્થાપવાનો હાલ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. રાજ્યસભામાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીને પ્રશ્ન કરાયો હતો કે, જાન્યુઆરી 2024થી ડીએ/ડીઆરનો દર 50 ટકા અથવા તેનાથી પણ વધુ વધવાની સંભાવના છે, આવી સ્થિતિમાં શું કેન્દ્ર સરકારે આઠમાં કેન્દ્રીય પગાર પંચની સ્થાપના કરવાનો પ્રસ્તાવ કર્યો છે ? જેના જવાબમાં તેમણે લેખીત ઉત્તર આપતા કહ્યું કે, આવો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી.
ડીએ-ડીઆરની દરમાં દર 6 મહિને સુધારા
અગાઉ પણ સરકારે 8મું પગાર પંચ સ્થાપવાના પ્રસ્તાવ પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગાર અને પેન્શનના વાસ્તવિક મૂલ્યમાં થયેલા ઘટાડાની ભરપાઈ થઈ શકે તે માટે મોંઘવારી ભથ્થું (ડીએ) અને મોંઘવારી રાહતની (ડીઆર) ચૂકવણી કરવામાં આવે છે. જાન્યુઆરી 2023માં આ દરો વધારીને પગાર અને પેન્શનના 42 ટકા કરાયા હતા. ઔદ્યોગિક શ્રમિકોના ડીએ/ડીઆર દરોમાં ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે દર 6 મહિને સમયાંતરે સુધારો કરવામાં આવે છે.