બોમ્બે હાઈ કોર્ટે દૃષ્ટી દોષ ધરાવતા વિદ્યાર્થીઓને પણ ફિઝિયોથરાપીનો કોર્સ કરવાની પરવાનગી આપી છે અને જણાવ્યું હતું કે સમાજ તરીકે આપણા અને રાજ્ય સરકારના સહીયારું કાર્ય છે કે જેમને સહાયતાની અતિ જરૂર છે તેમને મદદરૂપ થઈએ. ન્યા. ગૌતમ પટેલ અને ન્યા. નીલા ગોખલેની બેન્ચે રાજ્ય ઓક્યુપેશનલ થેરાપી એન્ડ ફિઝિયોથેરાપી કાઉન્સિલનો ઉધડો લીધો હતો. ફિઝિયોથેરાપી કરીક્યુલમ સાથે કામ લેતા કાઉન્સિલે ફિઝિયોથેરાપી કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારનો દૃષ્ટી દોષ ચલાવી શકાય નહીં એવા વલણથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
ઝીલ જૈન નામની ૪૦ ટકા દૃષ્ટી દોષ ધરાવતી વિદ્યાર્થીનીએ કરેલી અરજીને ૨૦ જૂનના આદેશ મારફત કોર્ટે માન્ય કરી હતી. અરજીમાં તેણે ફિઝિયોથેરાપી કોર્સમાં પ્રવેશ મેળવવાની દાદ માગી હતી.
કોર્ટે આદેશમાં નોધ કરી હતી કે એવા કેટલાંય વિદ્યાર્થીઓ, વકિલો અને આસિસ્ટંટ અને અન્યો છે જેઓ દૃષ્ટીદોષ ધરાવે છે છતાં ભારતભરની અનેક કોર્ટમાં સફળતાથી કાર્ય કરી રહ્યા છે.
કોર્ટે નિરીક્ષણ કર્યું હતંં કે કાઉન્સિલ એવું માને છે કે જે વ્યક્તિને પોતાની દિવ્યાંગતા માટે જરાય દોષી નથી એવા લોકોને ચોક્કસ ક્ષેત્ર કાયમ માટે બંધ હોવાનું કહેવું યોગ્ય છે. અને કાઉન્સિલની આવી ભૂમિકા કાયદા અને ન્યાયની વ્યાખ્યાથી વિપરીત છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
ઝીલ જૈને ૨૦૧૨માં બારમું ધોરણ પાસ કર્યું હતંં અને આગળ ભણીને બાદમાં ફિઝિયોથેરાપી કરવાની ઈચ્છા હતી. રેગ્યુલેશન ઓન ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનની જોગવાઈ અનુસાર ફિઝિયોથેરાપી માટે કોઈ પ્રકારનો દૃષ્ટીદોષ સ્વીકાર્ય નહોવાનું જણાવાયું હતું. જોકે બાદમાં ૪૦ ટકાથી વધુ દ્રષ્ટીદોષને જ અપાત્ર ગણવામાં આવે એ મુજબનો સુધારો કરાયો હતો.
હાઈ કોર્ટે આપેલા વચગાળાના આદેશ અનુસાર જૈનને નીટ (યુજી) ૨૦૨૨ આપવાની પરવાનગી અપાઈ હતી અને તેને નાયર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કોર્સમાં પ્રવેશ અપાયો હતો. હાલ પહેલા વર્ષમાં છે. માત્ર ઓછી દૃષ્ટીગોચરતાને આધારે જૈનનો પ્રવેશ અને અભ્યાસને ખલેલ પહોંચાડવામાં આવે નહીં એવો નિર્દેશ કોર્ટે આપ્યો છે.