સુજીત પાટકરેે બોગસ તબીબો દર્શાવી 22 કરોડ ચાંઉ કર્યાની શંકા

 મુંબઇ મહાનગરપાલિકાના કોવિડ સેન્ટર કૌભાંડ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમને અમૂક નવી વિગતો મળી છે. બીએમસીએ કોરોના દરમિયાન દહિસરમા કોવિડ-૧૯ ફિલ્ડ હોસ્પિટલનું સંચાલન કરવા માટે સંજય રાઉતના નજીકના સાથીદાર સુજીત પાટકરની લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ કંપનીને રૂા. ૩૦ કરોડ ચૂકવ્યા હતા. એમાંથી રૂા. ૨૨ કરોડ પાટકરની કંપનીએ બોગસ ડોક્ટરના નામથી પડાવી લીધા હોવાની શંકા છે. આ ઉપરાંત કોવિડ સેન્ટરમાં ખોટી રીતે દર્દીઓની સંખ્યા વધારે દાખવવામાં આવી હોવાનું કહેવાય છે. 

ઇડીને જાણવા મળ્યું છે કે માત્ર રૂા. આઠ કરોડ મેનેજમેન્ટના કામ માટે વપરાયા હતા. પાલિકા દ્વારા પાટકરને આપવામાં આવેલા બાકીના રૂા. ૨૨ કરોડ કયા ટ્રાન્સફર કરાવામાં આવ્યા તેની તપાસ ઇડી કરી રહી છે.

બીજી તરફ ઇડીને તપાસમાં જાણવા મળ્યું છે કે રૂા. ૨૨ કરોડ વિવિધ શંકાસ્પદ સંસ્થાઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ રકમનો કોવિડ સંબંધિત કોઇ પણ કામ માટે ઉપયોગમાં લેવાયા નહોતા.

બીએમસી પાસેથી ડોક્ટરોની નકલી યાદીના નામે રકમ નસૂલ કરવામાં આવી હતી. કોવિડ સેન્ટરમાં મોટી સંખ્યામાં નકલી ડોક્ટરો અને દર્દીઓ બનાવીને બિલ મંજૂર કરાવવામાં આવ્યા હતા. 

ઇડીના અધિકારીના જણાવ્યા મુજબ ‘લાઇફલાઇન કંપનીના મેનેજમેન્ટે આશરે ૧૫૦થી વધુ ડોક્ટરો માટે બનાવટી બિલ પ્રમાણપત્ર સબમિટ કર્યા હતા. આ યાદી સંબંધિત ઓફિસરો દ્વારા યોગ્ય રીતે ચકાસવામાં આવી નહોતી. કેટલાક ડોક્ટરોએ કોવિડ સેન્ટરમાં માત્ર બે-ત્રણ મહિના કામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં જુદા જુદા અધિકારીઓ અને મોટા નેતાઓના નજીકના લોકો ઇડીના રડાર પર છે.

થોડા દિવસ અગાઉ ઇડીએ પાલિકાના તત્કાલીન એડિશનલ કમિશનર સંજીવ જયસ્વાલ, પૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેના નજીકના સાથી સૂરજ ચવ્હાણને ત્યાં દરોડા પાડયા હતા. ઇડીએ સૂરજની કલાકો સુધી પૂછપરછ કરી હતી. ઇડીના અધિકારીઓ હવે તેના ભાઇની ખાનગી કંપનીઓની તપાસ કરી રહી છે. ચવ્હાણના ભાઇના નામે કુલ ત્રણ અલગ-અલગ કંપનીઓ છે. કોવિડ સમયગાળા દરમિયાન આ કંપનીઓ સાથે કોઇ વ્યવહારો કરવામાં આવ્યા હતા કે કેમ તેની માહિતી મેળવવા દસ્તાવેજોની તપાસણી થઇ રહી છે.

આ ઉપરાંત ચવ્હાણ અથવા તેના ભાઇની કંપનીઓને કોઇ ટેન્ડર આપવામાં આવ્યું હતું કે અથવા સંબંધિત કંપનીના બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા કે કેમ એની પણ તપાસ ચાલુ છે.  મની લોન્ડરિંગ દ્વારા ચવ્હાણે કોવિડ સમયગાળા દરમિયાન ફ્લેટની ખરીદી કરી હતી કે કેમ એની તપાસ થઇ રહી છે. આ તમામ બાબતે ઇડીએ ચવ્હાણની પૂછપરછ કરી હતી.

ઇડીના સૂત્રોના જણાવ્યા મુજબ ચવ્હાણે સંતોષકારક જવાબો આપ્યા નહોતા.