અત્યાર સુધીમાં 15 ઈંચ વરસાદ

શહેરમાં હજુ બે દિવસ યલો એલર્ટ

 મુંબઇનું ગગન આજે ૨૦૨૩ની ૨૮, જૂન, બુધવારે ભરપૂર વરસ્યું  હતું. આજે વહેલી સવારે મુંબઇનાં આકાશમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનું દળ કટક  ઉમટયું હતું. જોતજોતામાં  તો મેઘરાજાનો રસાલો આખા મુંબઇમાં ફરી વળ્યો હતો.હવામાન ખાતાએ એવી  માહિતી આપી હતી કે આજે વરસાદનું સૌથી વધુ જોર પશ્ચિમનાં ઉપનગરો  દહિંસર, બોરીવલી, કાંદિવલી, મલાડથી લઇને અંધેરી સુધી રહ્યું હતું. સાથોસાથ પૂર્વનાં પરાં મુલુંડ, ઘાટકોપર, પવઇમાં પણ ભારે વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.

રસતરબોળ વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.  તાપમાનમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે.

આજે કોલાબામાં દિવસનું તાપમાન ૨૭.૪ અને રાતનું તાપમાન ૨૫.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૨૯.૩ અને રાતનું તાપમાન ૨૬.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૨ -૮૯ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં  ભેજનું પ્રમાણ  ૮૯ –૯૦ ટકા રહ્યું હતું. 

આજે રાતના ૮-૩૦ સુધીમાં  કોલાબામાં ૮૬.૮ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૯૦.૦ મિ.મિ. વર્ષા નોંધાઇ હતી.આ જ દિવસ સુધીમાં કોલાબામાં ૨૪૭.૦ મિ.મિ.(૯.૮૮ ઇંચ), જ્યારે સાંતાક્રૂઝમાં ૩૮૧.૩ મિ.મિ.(૧૫.૨૫ ઇંચ) વર્ષા નોંધાઇ છે.  

મુશળધાર વરસાદથી દહિંસર નદી જબરી તોફાની બની હતી. એક તબક્કે તો નદીનો પ્રવાહ એટલો  તીવ્ર બની ગયો હતો કે પોલીસની ટુકડીએ અમુક પરિવારોને સલામત સ્થળે ખસેડયા હતા. ઘણાં નાળાં પણ છલકાઇ ગયાં હતાં. રસ્તા પર પણ વરસાદી પાણી ભરાઇ ગયાં હોવાથી વાહન વ્યવહાર પણ ધીમો થઇ ગયો હતો. 

વરસાદી તીવ્રતા અને પવનના તોફાની સુસવાટાના માહોલથી સમગ્ર વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ગગનચુંબી ઇમારતો  ઝાંખી  દેખાતી હતી. 

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ  કાંબળેએ  ગુજરાત સમાચારને એવી માહિતી  આપી હતી કે હાલ નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રના  કોંકણ -ગોવા, મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા, ગુજરાત, રાજસ્થાનમાં અતિ સક્રિય બન્યું છે. વળી, હાલ મહારાષ્ટ્રના સમુદ્રથી છેક કેરળના દરિયા કિનારા ઉપર હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.સાથોસાથ દક્ષિણ ગુજરાતના આકાશમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે.

આવાં તમામ કુદરતી પરિબળોની વ્યાપક અને તીવ્ર અસરથી આજે મુંબઇ સહિત નજીકનાં થાણે,પાલઘર, કલ્યાણ–ડોંબીવલીમાં મુશળધાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળે છે.

હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો  છે કે હજી આવતા બે દિવસ(૨૯,૩૦-જૂન) દરમિયાન મુંબઇમાં શ્રી કાર વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.

બીજીબાજુ આજે મહારાષ્ટ્રનાં  કોંકણનાં થાણે, પાલઘર, ક્લયાણ -ડોંબીવલી, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર, પુણે, વિદર્ભનાં ભંડારા, ગોંદિયા વગેરેમાં પણ ભારે વરસાદથી  જળબંબોળ થઇ ગયું હોવાના સમાચાર મળે  છે.