તરસમીયાની આવાસ યોજનામાં 480 માંથી 57 આવાસ ભાડે

ભાવનગર શહેરના તરસમીયા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪૮૦માંથી પ૭ આવાસ ભાડે આપવામાં આવ્યા છે. મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે સર્વે કરતા હકીકત બહાર આવી છે. આવાસના મહાપાલિકા માલિકોને નોટિસ અપાશે. ભાડે આવાસ ખાલી નહી કરાવાય તો સીલીંગની કાર્યવાહી કરાશે. 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારની આર્થીક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાનાં ઘરનું ઘર મળી રહે તે હેતુ સરની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે. જે પૈકી ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ. ૧ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે યોજનાના આવાસા લાભાર્થીઓને લોકાર્પણ કરી સોંપવામાં આવેલ છે. યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંકની શરતો મુજબ લાભાર્થી કબ્જા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી. ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી એફ.પી. ૪૬, ૪૭, ૪૮ અને પ૧ તરસમીયાના કુલ-૪૮૦ આવાસમાં ભાડુઆત બાબતનો સર્વે કરી કુલ-૫૭ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફલિત થયેલ છે.

આવાસના માલિકોને નોટીસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવનાર છે. ત્યારબાદ લાભાર્થીઓ દ્વારા ખુલાસો રજુ ન કર્યેથી નોટીસની સમયમર્યાદા બાદ વિભાગ દ્વારા ટીમો બનાવી અન્ય આસામીઓ દવારા ઉપયોગમાં હોય તેવા પ્રસ્થાપિત થયેલ આવાસોનો સીલીંગની કાર્યવાહી કરવામાં આવનાર છે. આગામી દિવસોમાં અન્ય સ્થળો પર આવેલા આવાસોના સર્વે કરી ભાડે આપેલ આવાસોના સીલીંગ કરવાની કામગીરી હાથ ઉપર લઇ કાર્યવાહી કરવામાં આવનાર છે. આ બાબતની નોંધ લેવા ટાઉન પ્લાનીંગ વિભાગે જણાવેલ છે.