આણંદ જિલ્લાના ખંભાત શહેરના અકબરપુર મોટી ચુનારવાડ વિસ્તારમાં ગતરોજ સાંજના સુમારે ઘર સામે ખાટલો તથા મોટરસાયકલ મુકવા બાબતે એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલ હિંસક અથડામણમાં છ વ્યક્તિઓને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે બંને પક્ષોની ફરીયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાતના અકબરપુરના મોટી ચુનારવાડ ખાતે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે સન્ની કોયાભાઈ ચુનારા ગત રોજ સાંજના સુમારે પોતાના ઘર નજીક હાજર હતા ત્યારે નજીકમાં રહેતા પ્રવિણભાઈ ઠાકોરભાઈ ચુનારા, કૌશલભાઈ પ્રવિણભાઈ ચુનારા, હર્ષલભાઈ પ્રવિણભાઈ ચુનારા, બેબીબેન પ્રવિણભાઈ ચુનરા, રીન્કુબેન કૌશલબેન ચુનારા, જાનકીબેન હર્ષલભાઈ ચુનારા અને ભારતીબેન રમેશભાઈ ચુનારાએ ઘર સામે ખુલ્લી જગ્યામાં મોટરસાયકલ મુકવા બાબતે ઝઘડો કર્યો હતો અને ગમે તેમ અપશબ્દો બોલતા નરેન્દ્રભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલ પ્રવિણભાઈ ચુનારાએ ઘરમાંથી લોખંડની પાઈપ લઈ આવી નરેન્દ્રભાઈને મોઢાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી.
સાથે સાથે સંજયભાઈને પણ માથાના ભાગે લોખંડની પાઈપ મારી દીધી હતી. ઉપરાંત કૌશલભાઈ અને હર્ષલભાઈએ સંજયભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય વ્યક્તિઓએ છુટા પથ્થરો મારતા નરેન્દ્રભાઈને ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે નરેન્દ્રભાઈ ઉર્ફે સન્ની ચુનારાએ ખંભાત શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઉક્ત શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે કૌશલભાઈ પ્રવિણભાઈ ચુનારાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત રોજ તેઓના ઘર નજીક રહેતા સન્નીભાઈ કોયાભાઈ ચુનારા, સંજયભાઈ કોયાભાઈ ચુનારા, કોયાભાઈ શાંતિભાઈ ચુનારા, દિપીકાબેન સન્નીભાઈ ચુનારા, ભીખીબેન કોયાભાઈ ચુનારા અને સોનીબેન સંજયભાઈ ચુનારા સાથે ઘર પાસેની ખુલ્લી જગ્યામાં ખાટલો મુકવા બાબતે તકરાર થઈ હતી. જેમાં ઉક્ત શખ્સોએ કૌશલભાઈને ઘર પાસે ખાટલો નહીં મુકવાનું કહી ગેરકાયદેસર મંડળી રચી કૌશલભાઈને ગમે તેમ અપશબ્દો બોલ્યા હતા. બાદમાં સન્નીભાઈ ચુનારાએ ઘરમાંથી કુહાડી લઈ આવી સંજયભાઈને માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સંજયભાઈ ચુનારા અને કોયાભાઈ ચુનારાએ કૌશલભાઈ તથા હર્ષલભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત અન્ય વ્યક્તિઓએ પત્થરમારો કરતા ભારતીબેનને તથા ઉર્મીલાબેનને ઈજાઓ પહોંચી હતી.