TNPLમાં વોશિંગ્ટન સુંદરે મચાવી તબાહી

TNPL 2023માં 26મી જૂનના રોજ સિયાચેમ મદુરાઈ પેન્થર્સ અને ચેપોક સુપર ગિલીઝ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં પેન્થર્સનો 12 રને વિજય થયો હતો. આ મેચમાં સિયાચેમ મદુરાઈ પેન્થર્સ તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી અને બેટથી તબાહી મચાવી દીધી હતી. તેની ઇનિંગ્સના કારણે જ ટીમ 141 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ભારતીય ટીમ ટેસ્ટ, વનડે અને T20 સિરીઝ રમવાની છે. વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વોશિંગ્ટન સુંદરને સ્થાન મળ્યું નથી. આ સ્થિતિમાં સુંદરે TNPLની એક મેચમાં એકલા હાથે રન બનાવીને ટીમને જીત અપાવીને પોતાની ક્ષમતા બતાવી હતી.

Washington வெடிச்சிட்டாரு – The Lone Panther🫡🔥#NammaOoruNammaGethu #TNPL #CSGvsSMP #CSG #SMP pic.twitter.com/FaXNgtsenI— Star Sports Tamil (@StarSportsTamil) June 26, 2023

સુંદરે મેચ વિનિંગ ઇનિંગ રમી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે TNPL 2023માં હારેલી મેચમાં પોતાની ટીમને જીત તરફ દોરી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે સિયાચેમ મદુરાઈ પેન્થર્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમની ખરાબ શરૂઆત જોઈને લાગી રહ્યું હતું કે ટીમ 100 રન પણ બનાવી શકશે નહીં. પેન્થર્સની 50 રને 6 વિકેટ પડી ગઈ હતી. આ પછી વોશિંગ્ટન સુદરે બેટથી શાનદાર પ્રદર્શન દ્વારા આખી મેચ પલટી નાખી હતી. સુંદરે મદુરાઈ પેન્થર્સની ઇનિંગ્સને મુશ્કેલ સમયમાં સંભાળી અને 5 છગ્ગા ફટકારી 30 બોલમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 186.66નો હતો.

પેન્થર્સે 12 રને મેચ જીતી હતી

મેચમાં પ્રથમ બેટિંગ કરતા સિયાચેમ મદુરાઈ પેન્થર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. ટીમ તરફથી એસ શ્રી અભિષેકે 21 રન અને સ્વપ્નિલ સિંહે 11 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 30 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. જવાબમાં 142 રનનો પીછો કરતા ચેપોક સુપર ગિલીઝ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 129 રન જ બનાવી શકી અને આ રીતે પેન્થર્સે 12 રને મેચ જીતી લીધી હતી.