ખેડા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જૂનમાં વરસાદમાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બે ગણો વરસાદ જૂનના છેલ્લાં અઠવાડીયા સુધીમાં જ નોંધાઈ ગયો હતો. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ જિલ્લાામાં સૌથી વધારે વરસાદમહેમદાવાદમાં નોંધાયો હતો.જયારે જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતો વાવાણીની કામગીરીમાં જોડાયા હતા.
સોમવારે ખેડા જિલ્લાના મહેમદાવાદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહેમદાવાદમાં બે કલાકમાં ચાર જ્યારે નડિયાદમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં હાલ સુધીમાં બમણો વરસાદ નોંધાયો હતો.
જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જૂન મહિનામાં બમણાથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે ૨૭ જૂન સુધીમાં જિલ્લામાં કુલ ૬૯૪ મીમી વરસાદ નોંધાયો હતો. જેની સામે ચાલુ વર્ષે આ આંકડો ૧,૪૨૨ એ પહોંચી ગયો હતો. હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે, પરંતુ મંગળવારે નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યનારાયણના દર્શન થયા હતા. નડિયાદ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જળબંબાકાર ની વિકટ પરિસ્થિતિ સર્જાતા જનજીવન અટવાઈ પડયું હતું.
જૂન ૨૦૨૨ માં ૨૭ જૂન સુધીમાં જ કઠલાલ તાલુકામાં ૪૬ મિ.મી, કપડવંજ તાલુકામાં ૧૧૭ મિ.મી., ખેડામાં ૮૪ મિ.મી., ગળતેશ્વરમાં ૫૯ મિ.મી, ઠાસરામાં ૪૬ મિ.મી, નડિયાદમાં ૮૯ મિ.મી, મહુધામાં ૩૫ મિ.મી, મહેમદાવાદમાં ૧૩૮ મિ.મી, માતરમાં ૫૭ મિ.મી તેમજ વસોમાં ૨૩ મિ.મી વરસાદ નોંધાયો હતો.
જેની સરખામણીએ ચાલુ વર્ષે ૨૭ જૂન ૨૦૨૩ સુધીમાં કઠલાલ તાલુકામાં ૯૦ મિ.મી, કપડવંજમાં ૫૭ મિ.મી, ખેડામાં ૧૧૭ મિ.મી, ગળતેશ્વરમાં ૧૦૩ મિ.મી, ઠાસરામાં ૮૩ મિ.મી, નડિયાદમાં ૨૪૬ મિ.મી, મહુધામાં ૧૭૦ મિ.મી., મહેમદાવાદમાં ૨૬૭ મિ.મી.,માતરમાં ૧૮૫ મિ.મી તેમજ વસોમાં ૧૦૪ મિ.મી વરસાદ નોંધાયો હતો. હજી આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. શ્રીકાર વર્ષાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
કયા તાલુકામાં કેટલો વરસાદ પડયો
ગત વર્ષનો વરસાદ | આ વર્ષનો વરસાદ વધારો-ઘટાડો | ||
તાલુકો | ૨૭-૬-૨૨ સવારના | ૨૭-૬-૨૩ સવારના | ટકામાં |
6 સુધી (ઈંચમાં) | 6 સુધી (ઈંચમાં) | ||
કઠલાલ | ૧.૮૧ | ૩.૫૪ | ૯૬% |
કપડવંજ | ૪.૬૦ | ૨.૨૪ | -૫૧% |
ખેડા | ૩.૩૦ | ૪.૬૦ | ૩૯% |
ગળતેશ્વર | ૨.૩૨ | ૪.૦૫ | ૭૫% |
ઠાસરા | ૧.૮૧ | ૩.૨૬ | ૮૦% |
નડિયાદ | ૩.૫૦ | ૯.૬૮ | ૧૭૭% |
મહુધા | ૧.૩૭ | ૬.૬૯ | ૩૮૮% |
મહેમદાવાદ | ૫.૪૩ | ૧૦.૫૧ | ૯૪% |
માતર | ૨.૨૪ | ૭.૨૮ | ૨૨૫% |
વસો | ૦.૯૦ | ૪.૦૯ | ૩૫૪% |
કુલ | ૨૭.૨૮ | ૫૫.૯૪ | ૧૦૫% |