નારી જીવનના ગરિમાપુર્ણ મોળાકતના વ્રતનો પ્રારંભ થશે

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૯ જુનથી ગોહિલવાડમાં પરંપરાગત રીતે કુમારિકાઓના મહિમાવંતા મોળાકતના વ્રતનો શુભારંભ થશે. મોળાકતના તહેવારને અનુલક્ષીને દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં શિવાલયોના પ્રાંગણમાં કુંવારિકાઓ દ્વારા ભાવ અને ભકિતમય માહોલમાં ગોરમા ગોરમા રે… કંથ દેજો કહ્યાગરો, ભાવ ધરીને અમે પુજશુ, તમે મારી ગોરમાના ગાન સાથે ગૌરી શંકરની પુજા અર્ચના કરવા ઉમટી પડશે. 

આગામી અષાઢી પુર્ણિમા સુધી ગોહિલવાડમાં ગુણીયલ વરની કામના અર્થે કુંવારિકાઓ દ્વારા તા.૨૯,૬ ને ગુરૂવારથી ગૌરી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. નારી જીવનની ગરીમા ગાતા અને કુવારિકાના જીવનકાળના આ સૌ પ્રથમ મોળાકતના વ્રત દરમિયાન નાની માસુમ બાલિકાઓ પાંચ દિવસ સુધી અલૂણા વ્રત કરશે. ખારૂ એટલે કે, ખારાશ વિનાનું ખાવાનુ હોવાથી આ વ્રત મોળાકત તરીકે જાણીતુ છે. મોળાકતના વ્રતના પ્રારંભે ભાવનગર શહેર અને જિલ્લાના શિવાલયોના પ્રાંગણમાં બાલિકાઓ દ્વારા ગૌરીમાતાનું શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરાશે. ભૂદેવો દ્વારા બાળાઓને પુજાવિધિ કરાવાશે. વ્રતના પ્રારંભે જવ, ડાંગર, ઘંઉ, તુવેર, જુવાર, ચોખા અને તલ વગેરે સાત ધાન્ય, રામપાત્ર કે ટોપલીમાં ભેળવીને જુવારા ઉગાડવામાં આવશે. પાંચ દિવસ દરમિયાન દરરોજ સવારે આ જુવારાનું કુમકુમ અક્ષતથી પુજન કરી દીવો, અગરબત્તી કરાશે.ગૌરીમાતાની ઉપાસના દરમિયાન બાળાઓ દ્વારા ગોળ,મીઠા વગરનુ મોળુ અન્ન ખાઈનેે એકટાણુ કરાશે. વ્રતના છેલ્લા દિવસે બાળાઓ રાત્રે જાગરણ કરશે અને બીજા દિવસે આ જુવારાઓનું જળાશયોમાં વિધિવત રીતે વિસર્જન કરાશે. મોળાકતની સાથે ચાતુર્માસમાં બાદ જયા પાર્વતીના વ્રતને અનુલક્ષીને શહેરની બજારોમાં પુજાપાની ચીજવસ્તુઓ, ફરાળની વિવિધ આઈટમો અને ફળફળાદીના વેચાણમાં ઉછાળો આવશે. મોળાકતના વ્રતને લઈને કુમારિકાઓમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.

પ્રકૃતિ અને કૃષિ સંસ્કૃતિ સાથે સંકળાયેલા તહેવારો અને વ્રતો 

વૈદિક કાળથી કૃષિપ્રધાન ભારતમાં મોળાકત સહિતના અનેક વ્રતો તેમજ તહેવારો પૈકીના મોટા ભાગના પ્રકૃતિ અને કૃષિ સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. આ વ્રતો દ્વારા ધરતી,ખેતર, વનસ્પતિ અને જવારાનો મહિમા વધારાય છે. અવિરત મેઘકૃપાથી કુદરત ખીલી ઉઠતી હોય છે ત્યારે દેવાધિદેવ ભગવાન શંકરના દૈવી શકિત ગૌરી (પાર્વતી)ને હરખભેર વધાવવા માટે પ્રાચીન કાળથી ગૌરીવ્રત સહિતના પર્વોની શ્રુંખલા જોવા મળી રહી છે.