વિશ્વ બેંકે ભારતના આ રાજ્યની શાળાઓ માટે ખોલ્યો ખજાનો

વિશ્વ બેંકે દેશના છત્તીસગઢની શાળાઓ માટે ખજાનો ખોલી દીધો છે. રાજ્યની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધારવા માટે વિશ્વ બેંકે 300 મિલિયન ડોલર મંજૂર કર્યા છે. આ લોન 18.5 વર્ષ માટે અપાઈ છે. જો આ સમયગાળા દરમિયાન લોન ન ચુકવી શકે તો 5 વર્ષની રાહત પણ અપાઈ છે. મંગળવારે વિશ્વ બેંકના એક પ્રકાશન અનુસાર વૈશ્વિક નાણાકીય સંસ્થાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો હેતુ 4 મિલિયન વિદ્યાર્થીઓને લાભ આપવાનો છે, જેમાં મોટાભાગે રાજ્યના ગરીબ અને નબળા સમુદાયોના બાળકો છે.

સરકારી સ્કુલોમાં વિજ્ઞાન અને ગણિતના પ્રશિક્ષિત શિક્ષકોની અછત

વિશ્વ બેંકે જણાવ્યું કે, સીનિયર સેકેન્ડરી સ્કુલોમાં વિજ્ઞાન અને વાણિજ્ય શિક્ષણ મળી રહ્યું નથી અને વિજ્ઞાન અને ગણિતના પ્રશિક્ષિત શિક્ષકોની અછત છે. રાજ્યમાં 86 ટકા શાળાઓનું સંચાલન સરકાર દ્વારા થાય છે. પ્રાથમિક સ્તરે શાળાઓમાં હાજરી 95 ટકા છે, જ્યારે સીનિયર સેકેન્ડરી સ્કુલોમાં હાજરી 57.6 ટકા છે અને વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યાર્થિનીઓ કરતાં 10.8 ટકા ઓછી છે. ઉપરાંત લેબોરેટરી જેવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ પણ ઓછી હાજરીનું કારણ છે. દૂર દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓને રહેવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

પ્રોજેક્ટથી રોજગારની તકો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મદદ થશે

ભારતમાં વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્ટે ટેનો કુમેએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી સીનિયર સેકેન્ડરી લેવલ પર વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ પુરુ પાડવા ઉપરાંત સરકાર સંચાલિત શાળાઓના નેટવર્કનો પણ વિસ્તાર વધશે. આ પ્રોજેક્ટથી છત્તીસગઢમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં એન્જિનિયરિંગ રોજગારની તકો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મદદ થશે. આ પ્રોજેક્ટ હેઠળ 1,75,000થી વધુ શિક્ષકોના વ્યાવસાયિક વિકાસમાં મદદ થશે.