કલોલના બીવીએમ ફાટક ખાતે ટ્રેનની અડફેટે આધેડનું મૃત્યુ થયું હતું. આધેડ એકલવાયું જીવન જીવતા હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કારની વિધિ મુસ્લિમ બિરાદરે કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રેલ્વે પોલીસ દ્વારા અકસ્માતને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીના છાપરામાં રહેતા ઉદાજી મગનજી ઠાકોર સોમવારે રાત્રી દરમિયાન બીવીએમ ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ વેગે આવતી બાંદ્રા ટર્મિનસ – હિસાર ટ્રેન નીચે આવી જતા તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાને પગલે રેલવે પોલીસ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. મૃતકના કોઈ વારસદાર ન હોવાથી અંતિમવિધિ કોણ કરે તેવો પ્રશ્ન ઉભો થયો હતો. મરણ જનારની ભત્રીજીએ લાશનો કબજો લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ સમગ્ર ઘટનાની માહિતી મૃતક નોકરી કરતા હતા તે દુકાનના માલિકને થતા રેલ્વે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. કલોલમાં વખારીયાની ચાલી રહેતા મુનીરભાઈની શાકભાજીની દુકાન પર વર્ષોથી મૃતક કામ કરતા તેમજ રહેતા હોવાને કારણે મૃતકની અંતિમવિધિ કરવાનો ફેંસલો લીધો હતો. જેને પગલે રેલ્વે પોલીસે લાશને મુનીર ભાઈને સોંપી હતી. આજના જમાનામાં નફરતનું પ્રમાણ વધ્યું છે ત્યારે મુસ્લિમ બિરાદરે હિંદુ વ્યક્તિની અંતિમવિધિ કરીને હિંદુ-મુસ્લિમ એકતા માટે દાખલો બેસાડ્યો હતો. મુનીરભાઈ અને રેલવે પોલીસના માનવતા ભર્યા કામને લોકોએ બિરદાવ્યું હતું.