ચીનને એક લાખ વાંદરાઓની નિકાસ કરવાનો નિર્ણય

ચીનને એક લાખ વાંદરા એક્સપોર્ટ કરવાના શ્રીલંકન સરકારના નિર્ણય સામે સ્થાનિક સ્તરે ભારે વિરોધ બાદ હવે સરકારે પીછેહઠ કરી છે.

મકાક પ્રજાતિના વાંદરાઓના એક્સપોર્ટ પર શ્રીલંકાએ હાલ પૂરતી રોક લગાવી દીધી છે. વાંદરાઓને ચીનમાં એક્સપોર્ટ કરવાનો મામલો ભારે વિરોધ વચ્ચે કોર્ટમાં પહોંચ્યો હતો અને શ્રીલંકન સરકારના એટોર્ની જનરલે કહ્યુ હતુ કે, વન વિભાગ દ્વારા સૂચના મળી છે કે, વાંદરાઓને ચીનમાં એક્સપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં નહીં આવે.

શ્રીલંકામાં આ પ્રજાતિના 30 લાખ વાંદરાઓ છે અને તેઓ અવાર નવાર ખેડૂતોનો ઉભો પાક બરબાદ કરી દેતા હોય છે. સરકારે દલીલ કરી હતી કે, આ વાંદરાઓના એક્સપોર્ટના કારણે ખેડૂતોને રાહત થશે. કારણકે દર વર્ષે વાંદરાઓના કારણે નાળિયેરની ખેતીને 175 કરોડ રૂપિયાનુ નુકસાન થાય છે. જોકે સ્થાનિક સ્તરે થયેલા વિરોધ બાદ હવે સરકારને સ્પષ્ટતા કરવી પડી છે કે, વાંદરાઓને ચીનમાં એક્સપોર્ટ કરવામાં નહીં આવે.

પર્યાવરણવિદોનુ કહેવુ છે કે, વાંદરાઓને ચીનમાં એક્સપોર્ટ કરવાનો નિર્ણય લેતા પહેલા વાંદરાઓની ગણતરી કરવામાં આવે તેમજ ચીન આ બંદરો પર કોઈ પ્રકારના અખતરા કરવા માંગે છે કે તેમને ખાવા માંગે છે તેની સ્પષ્ટતા ચીન પાસેથી લેવામાં આવે.