વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ સમિતિની મળેલી બેઠકમાં શહેરમાં બનેલા ફ્લાય ઓવર બ્રિજ નીચે ગંદકી અને દબાણો દૂર થાય તે માટે બ્રિજની નીચેની જગ્યા ડેવલપ કરી ત્યાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી આ દરખાસ્ત હવે સમગ્ર સભામાં જશે જ્યાં મંજૂરી મળ્યા બાદ કમિશનરને મોકલી આપવામાં આવશે કમિશનર તરફથી બ્રિજ નીચેની જગ્યા ડેવલોપ કરવા ચોક્કસ નીતિ નિયમો અને ધારા ધોરણો નક્કી કરી નીતિવિષયક દરખાસ્ત મંજૂરી માટે મોકલશે ટાઉન પ્લાનિંગ સમિતિમાં જે દરખાસ્ત મુકવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે શહેરમાં છેલ્લા વર્ષોમાં ઘણા ફ્લાય ઓવર બ્રીજ બન્યા છે. આ ફ્લાય ઓવર બ્રીજની નીચેની જગ્યા ખુલ્લી હોવાને કારણે કેટલીક જગ્યાઓએ ગેરકાયદેસર દબાણો થયેલા છે તો કેટલીક જગ્યાઓએ કચરાનાં ઢગલા અને ઉકરડા થઇ ગયેલ છે. કરોડો રૂપીયાના બ્રીજ બન્યા બાદ બ્રીજની નીચેની આવી પરિસ્થિતના કારણે શહેરની શોભા વધતી નથી. ત્યારે શહેરમાં આવેલ તમામ ફ્લાય ઓવર બ્રીજની નીચે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ થાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને તે માટેના ચોક્ક્સ ધારાધોરણો બનાવી નિતિવિષયક દરખાસ્ત રજુ કરવા મ્યુનિ.કમિશનર સત્તા આપવા અનુરોધ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા શહેરમાં બનાવેલા વિવિધ ફ્લાય ઓવર બ્રિજ નીચે ભિક્ષુકો, શ્રમજીવીઓ, ફુગ્ગા વાળાઓ અને બે ઘર લોકો ઉપરાંત રખડતા ઢોરોનો જમેલો હોય છે. જેઓ નીચે સતત ગંદકી ફેલાવતા રહે છે. આ લોકો જાહેરમાં નાહવા ધોવાનું રાખે છે, જેથી રોડ પર પણ પાણી વહેતું રહે છે. બ્રિજ નીચે જ જમવાનું બનાવતા હોય છે. તેઓને વારંવાર ખદેડવા છતાં ફરી પાછા ત્યાં આવી જાય છે. અગાઉ કોર્પોરેશનની સભા મળી ત્યારે પણ બ્રિજ નીચેની જગ્યાનો સદુપયોગ કરવા રજૂઆત કરવામાં આવી હતી.