ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે. તેના રેન્કિંગમાં સિંગાપોર ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગયું છે. જો ભારતની વાત કરવામાં આવે તો આ રેન્કિંગમાં  તેનું સ્થાન પણ ગબડ્યું છે. આ રેન્કિંગમાં ભારત ત્રણ અંક નીચે ખસ્યું છે અને તે 40માં નંબર પર આવી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનું  રેન્કિંગ 37મું હતું.

IMDના અહેવાલ મુજબ, સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. જોકે, વ્યાપાર કાર્યક્ષમતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આર્થિક પ્રગતિના સંદર્ભમાં ભારતનું રેન્કિંગ થોડું ઘટ્યું છે. ભારત ગયા વર્ષે આર્થિક પ્રગતિમાં 28માં નંબર પર હતું અને આ વખતે તેનું રેન્કિંગ 33 છે. સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતનું 2023નું રેન્કિંગ 44 છે, જે ગયા વર્ષે 45 પર હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતનું રેન્કિંગ ગયા વર્ષે 49ની સરખામણીએ આ વર્ષે ઘટીને 52 પર આવી ગયું છે.

સિંગાપોરની અર્થવ્યવસ્થાને પણ લાગ્યો આંચકો 

IMDના વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સે વિશ્વની 64 અર્થવ્યવસ્થાઓમાં સિંગાપોરને ચોથા નંબરે મૂક્યું છે. વર્ષ 2022માં સિંગાપોર ત્રીજા સ્થાને હતું. મહત્વની વાતએ છે કે, 2019 અને 2020માં સિંગાપોર આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું પરંતુ 2021માં તે સીધા પાંચમા સ્થાને પહોંચી ગયું હતું. આ વર્ષની રેન્કિંગમાં પ્રથમ ત્રણ સ્થાન ડેનમાર્ક, આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ પાસે છે. નેધરલેન્ડ્સ પાંચમા, તાઇવાન છઠ્ઠા, હોંગકોંગ સાતમા, સ્વીડન આઠમા અને યુનાઇટેડ સ્ટેટ્સ નવમા અને સંયુક્ત આરબ અમીરાત 10મા ક્રમે છે.

By admin