દેશના મોટા ભાગના રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે. આજે ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે. વરસાદના કારણે કેદારનાથ યાત્રામાં વિક્ષેપ પડ્યો. સોનપ્રયાગમાં શ્રદ્ધાળુઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે.
ભૂસ્ખલન થવાથી રહેણાંક મકાનો વચ્ચે સંપર્ક તુટ્યો
બીજી તરફ, ઉત્તરકાશીમાં, જ્ઞાનસુ પદુલી વિસ્તારમાં ગઈકાલે સવારના વરસાદને કારણે ભૂસ્ખલનમાં એક રહેણાંક મકાન પર પણ જોખમ ઊભું થયું છે. આ અંગે અસરગ્રસ્તોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. અસરગ્રસ્ત પરિવારે જણાવ્યું કે, તેમના ઘરને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે.
આગામી 24 કલાકમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ
દેહરાદૂનના હવામાન કેન્દ્રના નિર્દેશકના જણાવ્યા અનુસાર, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને, રવિવારથી દહેરાદૂન સહિત સાત જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેહરાદૂન, ટિહરી, પૌરી, ચંપાવત, પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.