અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આવનારા દિવસો વધારે મુશ્કેલ બનવાના છે.
આઈએમએફ પાસેથી લોન લેવા માટે ધમપછાડા કરી રહેલા પાકિસ્તાને હવે આઈએમએફના પેકેજને મેળવવા માટે 2024ના બજેટમાં ધરખમ ફેરફારો કરવા માટે નક્કી કર્યુ છે. પાકિસ્તાનનો આઈએમએફને રીઝવવાનો કદાચ આ છેલ્લો પ્રયાસ હશે.
આઈએમએફના ઈશારે આ બદલાવ કરવામાં આવશે અને તેની જાણકારી પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક દારે સંસદમાં આપી છે. જેમાં જનતા પર વધારે કરવેરા ઝીંકવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, આઈએમએફ અને પાકિસ્તાન સરકાર વચ્ચે વિસ્તૃત રીતે વાતચીત થઈ છે. આગામી મહિનાથી શરુ થનારા નાણાકીય વર્ષ માટે સરકાર 215 અબજ રુપિયાના નવા કરવેરા લાગુ કરશે અને સાથે સાથે સરકારના ખર્ચમાં પણ 85 અબજ રુપિયાનો કાપ મુકવામાં આવશે. સાથે સાથે ફિસ્કાલ ડેફિસિટ ઓછી કરવા માટે બીજા પણ પ્રયાસો કરવામાં આવશે.
પાકિસ્તાના વડાપ્રધાન શાહબાઝ શરીફ શુક્રવારે પેરિસમાં આઈએમએફના ચીફ ક્રિસ્ટાલિયા જોર્જીવાને મળ્યા હતા અને એ પછી પાકિસ્તાનના નાણા મંત્રીએ ઉપરોક્ત જાહેરાત કરી છે.
પાકિસ્તાન ગત નવેવમ્બર મહિનાથી આઈએમએફ પાસે 1.1 અબજ ડોલરની લોન લેવા માટે ધમપછાડા કરી રહ્યુ છે. આ માટે તે હવે આઈએમએફની નવા કરવેરા લાગુ કરવાની શરત માનવા પણ તૈયાર થયુ છે.