આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલી ડોમેસ્ટિક એરલાઈન્સ ગો ફર્સ્ટેને રાહત મળી છે. ધિરાણકર્તાઓએ એરલાઈન્સને લગભગ રૂ.400 કરોડ વચગાળાનાં ફન્ડિંગને મંજુરી આપી દીધી છે. આ બાબતથી વાકેફ 3 લોકોએ મનીકંટ્રોલને આ અંગે માહિતી આપી છે. કમિટી ઓફ ક્રેડિટર્સે 24 જૂનને રાત્રે આ ફંડને મંજૂરી આપી દીધી છે. કમિટી ઓફ ક્રેડિટર્સમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંગ ઓફ બરોડા, ડોએચે બેંક અને આઈડીબીઆઈ બેંકો સામેલ છે. એરલાઈન્સની કામગીરી યોગ્ય રીતે ચાલી શકે તે માટે ગો ફર્સ્ટે ઓપરેશનલ ખર્ચ માટે આ બેંકોનો દરવાજો ખખડાવ્યો હતો.
ગો ફર્સ્ટ પર 4 બેંકોનું કુલ 6521 કરોડ રૂપિયા દેવું
એક રિપોર્ટ અનુસાર ગો ફર્સ્ટ પર બેંકોનું કુલ 6521 કરોડ રૂપિયા દેવું છે. એરલાઈન્સે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને રૂ.1987 કરોડ, બેન્ક ઓફ બરોડાને રૂ.1430 કરોડ, ડોએચે બેંકને રૂ.1320 કરોડ અને IDBI બેંકને રૂ.58 કરોડ ચુકવવાના બાકી છે.
ગો ફર્સ્ટના ધિરાણકર્તામાં સામેલ એક બેંકના ટોચના અધિકારીએ જણાવ્યું કે, બિઝનેસ પ્લાન અને ઓપરેશન ફરી શરૂ કરવા માટે એરલાઈન્સને લગભગ 400 કરોડ રૂપિયા અપાશે.
તમામની નજર DGCA પર
બેંકો દ્વારા મદદ કરાયા બાદ હવે તમામની નજર એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પર છે, જે એરલાઇનની અરજી પર વિચાર કરી રહી છે. અરજીમાં ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની મંજુરી મંગાઈ છે. આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, બધાની નજર હવે DGCA પર છે, જે વિવિધ તપાસો બાદ મંજૂરી અંગે નિર્ણય લઈ શકે છે. એવી અપેક્ષા છે કે એરલાઇનની ફ્લાઈટ્સ ટૂંક સમયમાં શરૂ થશે.
1 જુલાઈથી ફરી શરૂ થઈ શકે છે ગો ફર્સ્ટની ફ્લાઈટ્સ
ટિકિટ વેચવા અને તેની ફ્લાઇટ્સ શરૂ કરવા માટે ગો ફર્સ્ટને એવિએશન રેગ્યુલેટરની મંજૂરીની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરલાઇન 22 વિમાનોની મદદથી 1 જુલાઈથી 78 રૂટ પર ફ્લાઈટ્સ ફરી શરૂ કરી શકે છે. એરલાઈને તાજેતરમાં સેવાઓ ફરી શરૂ કરવા માટે રૂ. 400 કરોડના ભંડોળ માટે બિઝનેસ પ્લાન સોંપ્યો હતો.
જાણો શું હતો મામલો ?
ગો ફર્સ્ટે બીજી મેના રોજ જાહેરાત કરી હતી કે, તેણે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), દિલ્હીમાં અરજી દાખલ કરી છે. એરલાઇનના સીઈઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી હતી. અગાઉ કંપનીએ કહ્યું હતું કે, ભંડોળની અછતને કારણે કંપનીએ 3 અને 4 મેની ફ્લાઈટ્સ રદ કરી રહી છે. એરલાઇન કંપનીનું કહેવું છે કે, ખામીયુક્ત એન્જિન (પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન)ના સપ્લાયને કારણે તેની નાણાકીય સ્થિતિને અસર થઈ છે. ખરાબ એન્જિનોના કારણે કંપનીના ઘણા વિમાનો ઉડી શકવામાં સક્ષમ નથી.