વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ જો બાઈડેન અને પ્રથમ મહિલા જિલ બાઈડેનના આમંત્રણથી અમેરિકાની સૌપ્રથમ ‘સ્ટેટ વિઝિટ’ના ભાગરૂપે ગુરુવારે અમેરિકન સંસદના સંયુક્ત સંત્રને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ભારતીય અર્થતંત્ર નજીકના સમયમાં દુનિયાનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે તેવી બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતના વિકાસની સાથે દુનિયાનો પણ વિકાસ થશે. આ સાથે તેમણે સરકારો દ્વારા આતંકવાદને અપાતા પ્રોત્સાહન અને તેની નિકાસ સામે આકરાં પગલં લેવા હાકલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન સંસદના સંયુક્ત સત્રને બીજી વખત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાન તરીકે પહેલી વખત અમેરિકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે ભારત દુનિયાનું ૧૦મું મોટું અર્થતંત્ર હતું. આજે ભારત પાંચમું મોટું અર્થતંત્ર છે. ટૂંક સમયમાં ભારત ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે. અમે માત્ર મોટા જ નથી થઈ રહ્યા પરંતુ ઝડપથી આગળ પણ વધી રહ્યા છીએ. એટલું જ નહીં ભારતની પ્રગતિની સાથે દુનિયાનો પણ વિકાસ થઈ રહ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિમાનનો એક ઓર્ડર અમેરિકાના ૪૪ રાજ્યોમાં ૧૦ લાખથી વધુ રોજગાર પેદા કરે છે. બીજીબાજુ કોઈ અમેરિકન ફોન ઉત્પાદક ભારતમાં રોકાણ કરે છે તો તે બંને દેશોમાં રોજગાર અને તકોનું નવું તંત્ર બનાવે છે. ભારત અને અમેરિકાના સંબંધોની સરખામણી તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ – એઆઈ સાથે કરી હતી. તેમણએ કહ્યું કે, દુનિયામાં આજે એઆઈની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હવે બીજા એઆઈ એટલે કે અમેરિકા અને ભારતની પણ ચર્ચા થઈ રહી છે. મને એ જોઈને આનંદ થાય ચે કે આપણે બે મહાન લોકતંત્રો ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે સંબંધોની ઊજવણી માટે એક સાથે આવ્યા છીએ.
પીએમ મોદીએ જણાવ્યું કે, અમેરિકન કોંગ્રેસને સંબોધન કરવું એક મોટું સન્માન છે. આ સન્માન માટે હું ભારતની ૧૪૦ કરોડની જનતા તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હું જોઈ રહ્યો છું કે, ૨૦૧૬માં હું અહીં આવ્યો ત્યારે તમારામાંથી અડધા લોકો અહીં હતા. બીજા અડધા ભાગમાં જૂના મિત્રો અને નવા મિત્રોનો ઉત્સાહ પણ જોઈ શકું છું. આજે દુનિયા ભારત અંગે વધુમાં વધુ જાણવા માગે છે અને હું આ ગૃહમાં પણ એ જિજ્ઞાાસા જોઈ શકું છું. એક સદી સુધી આપણે સંરક્ષણ સહયોગથી દૂર રહ્યા. પરંતુ હવે સંયુક્ત રાજ્ય અમેરિકા અમારું સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદારી બની ગયું છે.
અમેરિકન સંસદને એક કલાકના સંબોધનમાં પીએમ મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વિના સરકારો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતા આતંકવાદની ટીકા કરી હતી અને તેની સામે આકરાં પગલાં લેવાની માગણી કરી હતી. તેમણે કહ્યું કે, ૯-૧૧ના હુમલા અને મુંબઈમાં ૨૬-૧૧ના હુમલાના એક દાયકાથી વધુ સમય પછી હજુ સુધી કટ્ટરવાદ અને આતંકવાદ આખી દુનિયા માટે ગંભીર જોખમ છે. આ વિચારધારાઓ નવી ઓળખ અને નવા રૂપ લઈ રહી છે, પરંતુ તેના ઈરાદા એ જ છે. આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેનો સામનો કરવામાં કોઈ ‘જો અને તો’ હોઈ શકે નહીં. આપણે આતંકવાદને પોષણ આપતા અને નિકાસ કરનારા પર નિયંત્રણ મેળવવું જ પડશે.
પીએમ મોદીએ ચીનનું નામ લીધા વિના કહ્યું કે, વૈશ્વિક વ્યવસ્થા યુએન ચાર્ટરના સિદ્ધાંતોના આદર, વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનો આદર પર આધારિત છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આક્રમક્તાના સંદર્ભમાં પીએમ મોદીએ કહ્યું કે, હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ઘર્ષણના કાળા વાદળો છવાયેલા હોવાથી પ્રદેશમાં સ્થિરતા એ અમારી ભાગીદારીની મુખ્ય ચિંતા બની રહી છે. અમે મુક્ત, ખુલ્લા અને સમાવેશક હિંદ-પ્રશાંત ક્ષેત્રનું સંયુક્ત વિઝન ધરાવીએ છીએ. રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ સમય યુદ્ધનો નથી. યુક્રેન યુદ્ધના કારણે સામાન્ય માણસોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધ લોકોને પીડા પહોંચાડે છે. આ સમસ્યાનો ઉકેલ વાટાઘાટોથી લાવવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે, અમે એવા વિશ્વની કલ્પના કરીએ છીએ જ્યાં નાના-મોટા બધા જ રાષ્ટ્રો તેમની પસંદગીમાં મુક્ત અને ભયરહિત હોય, જ્યાં વિકાસ દેવાના અસંભવિત બોજ હેઠળ દબાયેલો ના હોય, જ્યાં કનેક્ટિવિટીનો લાભ વ્યૂહાત્મક હેતુઓ માટે માત્ર ચોક્કસ લોકોને ના મળે, જ્યાં સંયુક્ત સમૃદ્ધિ દ્વારા બધા જ રાષ્ટ્રોનો વિકાસ થાય. અમારું વિઝન સમાવેશ કે બહિષ્કાર પર આધારિત નથી, પરંતુ તે શાંતિ અને સમૃદ્ધિ માટે સહકારી ક્ષેત્રનું નિર્માણ કરવા પર આધારિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કલાક સુધી અમેરિકન સંસદના સંયુક્ત સંત્રને ભાષણ આપતા હતા ત્યારે અનેક વખત સંસદભવન તાળીઓના ગડગડાટથી ગુંજતી રહી હતી. તેમને ૧૪ વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ભાષણ પૂરું થયા પછી અમેરિકન સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા લાઈનમાં ઊભા રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે ગુરુવારે અમેરિકાના પ્રમુખ બાઈડેન સાથે પ્રતિનિધિસ્તરની દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ વાટાઘાટોમાં અમેરિકા દ્વારા એમક્યુ-૯ રીપર ડ્રોનના વેચાણ સહિત કેટલાક કરારોને મંજૂરી આપવામાં આવી હતી.
બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ ભારત અમેરિકા પાસેથી એમક્યુ-૯ રીપર ડ્રોનની ખરીદી કરશે. આ ડ્રોન હિન્દ મહાસાગર, ચીનની સરહદની સાથે અન્ય આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તૈનાત કરાશે. આ સોદા હેઠળ ભારત રૂ. ૨૯,૦૦૦ કરોડમાં ૩૦ ફાઈટર ડ્રોન ખરીદશે. હાલ ભારતને આ ડ્રોન પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અપાશે. ત્યાર પછી સૈન્યની ત્રણેય પાંખ પાસેથી ફીડબેક મળ્યા પછી તેનું નિર્માણ ભારતમાં જ કરાશે.
અમેરિકાએ ભારતની બે સ્ટાર્ટ-અપ સાથે સમજૂતી કરાર કર્યા છે. ભારત-અમેરિકા મળીને યુએસ-ઈન્ડિયા ડિફેન્સ એક્સીલરેશન ઈકોસિસ્ટમ શરૂ કરવાના નિર્ણય પર સહમતી વ્યક્ત કરી છે. આ નેટવર્કમાં બંને દેશોની યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ્સ, ઈન્ડસ્ટ્રી અને થિંક ટેન્ક સામેલ થશે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સ્પેસ ફોર્સે ભારતની સ્ટાર્ટઅપ્સ ૧૧૪એઆઈ તથા થર્ડઆઈ ટેક સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી પછી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ પણ આગામી સમયમાં દુનિયાના અન્ય દેશોમાં તેના હથિયાર સપ્લાય કરી શકશે.
રેલવે અંગે પણ બંને દેશો વચ્ચે કરાર થયા છે. ભારતીય રેલવે અને અમેરિકન સંઘીય સરકારની એક સ્વતંત્ર એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ-ઈન્ડિયાએ ૧૪ જૂને એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સંસ્થા આર્થિક વિકાસ, કૃષિ ક્ષેત્રો, વ્યાપાર, સ્વચ્છ ઊર્જા, લોકતંત્ર, માનવીય સહાયતા, જળવાયુ પરિવર્તનના મુદ્દાઓમાં સહાયતા કરીને આંતરરાષ્ટ્રીય વિકાસનું સમર્થન કરે છે