પાકિસ્તાનના નાણામંત્રીએ પત્રકારને લાફો મારી દીધો

દેવાળીયા થવાના આરે પહોંચેલા પાકિસ્તાનની સરકારના મંત્રીઓ પણ પાકિસ્તાનનો ફજેતો કરવામાં કશું બાકી રાખી રહ્યા નથી.

પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક દાર હવે એક પત્રકાર સાથે જીભાજોડીના કારણે ચર્ચામાં આવ્યા છે. પત્રકારનો આરોપ છે કે, ઈશાક દારને મેં આઈએમએફને લગતો સવાલ પૂછ્યો હતો અને તેમણે મને તેના કારણે લાફો મારી દીધો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુરુવારે આ ઘટના બની હતી. ઈશાક દાર પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરીને સંસદ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પત્રકાર શાહીદ કુરૈશીએ તેમને કેટલાક સવાલ પૂછ્યા હતા. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, પત્રકાર તેમને હમણાં વાત કરશો કે નહીં તેવુ પૂછે છે અને તેના જવાબમાં ઈશાક દાર કહે છે કે, મેં અત્યારે જ ભાષણ આપ્યુ છે.

પત્રકારે પોતાના સવાલમાં આઈએમએફના અધિકારી ક્રિસ્ટિના જોર્જીવા સાથે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની બેઠક અંગે પણ સવાલ પૂછ્યો હતો પણ ઈશાક દારે તેનો જવાબ આપ્યો નહોતો. પત્રકારે પોતાની વાત ચાલુ રાખી હતી અને પાકિસ્તાન આઈએમએફ પાસેથી લોન લેવામાં સફળ કેમ નથી થઈ રહ્યુ તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં દારે કહ્યુ હતુ કે, આ માટે ડીલ નથી થઈ શકી કારણકે તમારા જેવા લોકો સિસ્ટમમાં છે.

પત્રકારે તેના જવાબમાં કહ્યુ હતુ કે, હું સિસ્ટમનો ભાગ નથી.મારુ કામ તો માત્ર સવાલ પૂછવાનુ છે.આ સાંભળીને ગુસ્સે થયેલા દારે પત્રકારનો મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરી હતી. દારે પોતાની સિક્યુરિટીને પણ પત્રકારનો મોબાઈલ છીનવી લઈને ફેંકી દેવાની સૂચના આપી હતી. એ પછી પાકિસ્તાનના નાણા મંત્રીને સુરક્ષા કર્મીઓ પાર્કિંગ સુધી લઈ ગયા હતા.

જોકે પત્રકારે આક્ષેપ કર્યો હતો કે, સુરક્ષા કર્મીઓએ મને પકડી રાખ્યો હતો અને દારે મને લાફો મારી દીધો હતો