હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે ૨૦૨૩ની નૈઋત્યની વર્ષા ઋતુનું ભરપૂર ભીનું આગમન આજે ૨૩, જૂને મહારાષ્ટ્રના વિદર્ભ(અકોલા,અમરાવતી,નાગપુર, વર્ધા, ચંદ્રપુર વગેરે)માં થયું છે. વિદર્ભમાં વર્ષા ઋતુનું આગમન બંગાળના ઉપસાગરમાં સક્રિય અને સાનુકુળ થયેલાં કુદરતી પરિબળોની અસરથી થયું છે.હવે આવતા ૪૮ કલાકમાં મુંબઈમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. આ ઉપરાંત આવતા ત્રણ દિવસ મુંબઈ ઉપરાંત થાણે તથા પાલઘરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આમ તો ગઇ ૧૧, જૂને મેઘરાજાની સવારી મહારાષ્ટ્રના કોંકણ(રત્નાગિરિ, સિંધુદુર્ગ,રાયગઢ,થાણે,પાલઘર,મુંબઇ)ના રત્નાગિરિમાં આવી પહોંચી છે. કોંકણ પટ્ટી અરબી સમુદ્ર કિનારા પર છે. અરબી સમુદ્રમાં બીપરજોય સાયક્લોનની પ્રચંડ થપાટને કારણે ચોમાસુ રત્નાગિરિથી આગળ વધી શક્યું નહોતું.
હવામાન ખાતાએ આજે તેની સત્તાવાર યાદીમાં એવી માહિતી આપી છે કે ૨૦૨૩નું નૈઋત્યનું ચોમાસુ આજે ૨૩, જૂને કર્ણાટક, તેલંગણા, વિદર્ભ,છત્તીસગઢ, બંગાળના ઉપસાગરના બાકી રહેલા હિસ્સામાં વધુ આગળ વધ્યું છે. વર્ષા ઋતુ આવતા ૪૮ કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ આગળ વધે તેવાં સાનુકુળ પરિબળો સર્જાયાં છે.
હવામાન ખાતા (મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે કે હવે બીપરજોય સાયક્લોનની અસર સંપૂર્ણ પૂરી થઇ ગઇ હોવાથી ચોમાસુ અરબી સમુદ્રમાં ફરીથી સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં કરન્ટ, પલ્સીસ, ભેજ નું વધેલું પ્રમાણ વગેરેતમામ કુદરતી પરિબળો સાનુકુળ થઇ રહ્યાં હોવાથી મેઘરાજાની સવારી આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇના આંગણે આવી પહાંચશે.
સાથોસાથ હવામાન ખાતાએ એવો વરતારો પણ આપ્યો છે કે આવતા ત્રણ દિવસ(૨૪,૨૫,૨૬, ૨૭ –જૂન) દરમિયાન મુંબઇ સહિત થાણે,પાલઘરમાં મધ્યમથી ભારે વરસાદ(યલો એલર્ટ) વરસે તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે. જ્યારે ૨૪થી ૨૭, જૂન દરમિયાન રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં મુશળધાર વરસાદ(યલો એલર્ટ) વરસે તેવાં પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
આ તમામ કુદરતી પરિબળોની સક્રિયતા અને સાનુકુળતાને ધ્યાનમાં રાખીએ તો ૨૯,૩૦, જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનો ભીનો ભીનો માહોલ આખા મહારાષ્ટ્રમાં શરૃ થવાની શક્યતા છે.
બીજીબાજુ હવામાન ખાતા (નાગપુર કેન્દ્ર)ના ડાયરેક્ટર મોહનલાલ સહાએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે ૨૩, જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં થઇ ગયું છે. બંગાળના ઉપસાગરમાં ચોમાસાનાં તમામ પરિબળો સક્રિય અને સાનુકુળ થયાં હોવાથી તેની સીધી અને ભારે અસર વિદર્ભમાં પણ શરૃ થઇ છે.
આવતા ચાર દિવસ(૨૪થી ૨૭–જૂન) દરમિયાન વિદર્ભનાં અકોલા, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર,નાગપુર,વર્ધા,બુલઢાણા, ગઢચિરોળી,ગોંદિયા,યવતમાળમાં ગાજવીજ , તીવ્ર પવન સાથે ભારેથી અતિ ભારે(યલો–ઓરેન્જ એલર્ટ) વર્ષા થાય તેવાં તોફાની પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
આજે કોલાબામાં દિવસનું તાપમાન ૩૪.૬ અને રાતનું તાપમાન ૨૮.૫ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૩૪.૪ અને રાતનું તાપમાન ૨૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૭૫ -૬૫ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૮ –૫૮ ટકા રહ્યું હતું.