બાળકો માટે જિલ્લા વહીવટી તંત્રનું સંવેદનશીલ પગલું

પોરબંદર જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત સ્થળાંતરીત પરિવારોના બાળકો માટે દૂધ અને બિસ્કીટની  વિશેષ વ્યવસ્થા કરાશે

પોરબંદર જિલ્લામાં બિપર જોય વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લાના કાચા અને ઝૂંપડાઓમાં રહેતા લોકોને જુદા જુદા આશ્રય સ્થાનો પર સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં અંદાજે 3,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સ્થળાંતરિત કરાયેલા લોકો માટે સંસ્થાઓના સહયોગથી તંત્ર દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ નાના બાળકો માટે દૂધ અને બિસ્કીટ ની વ્યવસ્થા કરવા પ્રભારી મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ કલેકટર શ્રી કે.ડી. લાખાણીએ સૂચન કરતા સંબંધિત તંત્ર દ્વારા સહયોગથી આ વ્યવસ્થા કરવામાં આવશે. કેટલાક સેન્ટરો પર આજે બાળકોને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આવા તમામ સેન્ટરો પર બાળકોને દૂધ અને બિસ્કીટ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનું આ એક સંવેદનશીલ પગલું છે.