મુંબઇ : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટે સીએસટીના વાડી બંદર યાર્ડ ખાતે સમપત આઠ-લાઈન મેન્ટેનન્સ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેવું સેન્ટ્રલ રેલવેના વરિ અધિકારીએ  જણાવ્યું હતું. આ અત્યાધુનિક સુવિધા માટે ટૂંક સમયમાં ટેન્ડર મગાવવામાં આવશે.

 અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈથીઅન્ય રાજ્યો અને શહેરોને જોડતી વધુ વંદે ભારત ટ્રેનોની શરૂ થવાની અપેક્ષા હોવાથી મેન્ટેનન્સ સુવિધા હોવી આવશ્યક  છે. સીએસટીથી શિરડી અને સોલાપુર માટે પહેલાંથી જ બે વંદે ભારત ટ્રેનો કાર્યરત છે.ગોવામાટેની ત્રીજી વંદે ભારત પણ મુંબઈથી શરૂ થશે.તેથી આ રેક્સની કાળજી લેવા માટે સમપત જાળવણી સુવિધાની જરૂર છે. મુંબઇ- ગોવા ટ્રેનના ઔપચારિક ઉદ્ધાટનના એક દિવસ પહેલા થયેલી ઓડિશા ટ્રેન દુર્ઘટનાને પગલે આ વંદે ભારત ટ્રેનનું સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું.

સીએસટી ખાતે વાડી બંદર શહેરનું સૌથી જૂનું યાર્ડ છે.સ્વતંત્રતા પહેલાના સમયમાં ૧૮૮૨માં સ્થપાયેલ, યાર્ડ તેના શરૂઆતના દિવસોમાં ટ્રેનો માટે ૧૪ શેડ અને ૬૪ મુખ્ય લાઈનો ધરાવતું હતું.આ ૧૪ શેડનો ઉપયોગ ચીજવસ્તુઓના  લોડિંગ અને અનલોડિંગ માટે કરવામાં આવતો હતો. જેમાં મોટાભાગે સિમેન્ટ, ખાદ્ય પદાર્થ, વિસ્ફોટકો અને અન્ય કાચો માલ હોય. કોચની જાળવણીથી લઈને ટ્રેનોના ધોવા સુધીના કામ માટે, વાડી બંદર તે સમયે મુખ્ય  સાબિત થયું હતું જો કે અત્યારે કામનું ભારણ ઓછું થયું છે. હવે પચાસ ટકા યાર્ડ નિષ્ક્રિય પડેલું છે. જે ૧૯ હેક્ટરથી વધુ જમીન પર ફેલાયેલું છે. તેથી સ્ટેશનની નજીક હોવાને કારણે સીએસટીથી શરૂ થતી વંદે ભારત ટ્રેનોની જાળવણી માટે વાડી બંદરની જગ્યા પસંદ કરવામાં આવી છે.

વાડી બંદર ખાતે પહેલેથી જ આઠ લાઇન છે. જ્યાં સીએસટીથી ઉપડતી મેલ એક્સપ્રેસ ટ્રેનો પ્રાથમિક જાળવણીમાંથી પસાર થાય છે.શિરડી અને સોલાપુર માટેની બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પણ અહીં જ રાખવામાં આવે છે.

અધિકારીએ કહ્યું હતું કે નવી આઠ લાઇન એ વધારાની સુવિધા હશે જે આ આધુનિક યુગની ટ્રેનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત જાળવણી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે. તમામ આઠ લાઇન ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે નહીં.તે જરૂરિયાત મુજબ આપવામાં આવશે કારણ કે વધુ વંદે ભારત ટ્રેનો કાફલામાં ઉમેરાશે.

ઉપરાંત જે આઠ લાઈનો વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમાંથી શરૂઆતમાં ચાર લાઈનો વિકસાવવામાં આવશે. ત્રણ લાઈન જાળવણી માટે અને એક લાઈન કોચની મુખ્ય અને સામયિક જાળવણી માટે હશે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માગ અને લોકપ્રિયતાના આધારે સીએસટીથી કોલ્હાપુર, જાલના વગેરે માટે વધુ વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના છે