વિરપુર જલારામ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે ખુલ્યા

વિરપુર તા.8 કોરોના મહામારી ને કારણે સાવચેતી ના ભાગ રૂપે ગત તા.30 ઓગસ્ટ થી 1 ઓકટોબર સુધી પુ. જલારામબાપાનું મંદિર દર્શનાથીઓ માટે બંધ કરવામાં આવેલ ત્યાર બાદ પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ વધુ આઠ દિવસ માટે મંદિર બંધ માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આજ રોજ 8 ઓક્ટોબર ને ગુરૂવાર થી દર્શનાથી ઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલ. વીરપુર ખાતેના જલારામ મંદિર દ્વારા સરકારી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન સાથે શ્રદ્ધાળુઓ માટે 8 ઓક્ટોબર થી મંગળ મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય ગાદીપતિ પુ. રઘુરામબાપા દ્વારા કરવામાં આવ્યો હતો. દેશ વિદેશમાં આસ્થાનું કેન્દ્ર રહેલ સંત પુ. શ્રી જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થઈ શકશે.