नक्सलवाद_की_परिभाषा_बताओ
આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુકુમારની ફેસબૂક પોસ્ટ રૂંવાડા ઊભા કરી મૂકે તેવી છે.
છત્તીસગઢના બિજાપુરમાં 22 જવાનો શહીદ થઈ ગયા. તે ગરીબ પરિવારના કિસાનોના પુત્રો હતા; બંદૂકધારી મજૂર જ કહેવાય. પોતાના બાળકોના પેટ ભરવા બંદૂક ટાંગીને નેતાઓની યોજના અનુસાર ગરીબ લોકોને મારવા માટે ગામડામાં મોકલી દેવાય છે. દલીલ એવી કરાય છે કે અશાંતિ માટે માઓવાદી દોષી છે; માઓવાદી ન હોત તો દેશમાં શાંતિ જ શાંતિ હોત. આરોપ એ પણ મૂકવામાં આવે છે કે માઓવાદી વિકાસના કામો થવા દેતા નથી ! શું જ્યાં માઓવાદી નથી ત્યાં શાંતિ છે? ત્યાં ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ ગયો છે? શું ત્યાં વિકાસ થઈ ગયો છે? સવાલ એ છે કે જે લોકો આદિવાસીઓના માનવાધિકારના હનનના મુદ્દા ઉઠાવે છે; વિકાસના ખોટા મોડલ, પર્યાવરણ, આદિવાસીઓની આજીવિકા અને જળ/જમીન/જંગલના મુદ્દાઓ ઉઠાવે છે તેમને સરકાર શામાટે જેલમાં પૂરે છે?
હું પાછલા બે વરસથી અદાણી દ્વારા છત્તીસગઢમાં અવૈધ રીતે ખાણો હડપવા અને 20,000 વૃક્ષો કાપવા બાબતે લખી રહ્યો છું. આદિવાસીઓએ તેમની સામે આંદોલન કર્યું જેથી સરકારે મજબૂર થઈને હાલે અદાણીને રોકી દીધેલ છે. આ આંદોલનમાં જોડાયેલ ચાર યુવાનો-પોદિયા/લચ્છૂ/ગુડ્ડી/ભી માને ઘેરથી પોલીસ ઉપાડી ગઈ અને ફેઈક એન્કાઉન્ટરમાં મારી નાખ્યા ! આદિવાસી મહિલા કાર્યકર્તા હિડમેને જેલમાં પૂરી દીધી અને તેની ઉપર UAPA લગાડી દીધો; જેથી 10 વરસ સુધી જામીન ન મળે. છત્તીસગઢના CMએ ઘોષણા કરી છે કે હવે આખરી યુધ્ધ લડીશું અને માઓવાદને સમાપ્ત કરીશું !
આ પ્રકારની ઘોષણા અનેક વખત થઈ ચૂકી છે. એટલે આવી ઘોષણાથી ડર વધે છે; કેમકે હવે માઓવાદ વધુ વકરશે ! વાસ્તવમાં થાય છે શું? CMની ઘોષણા બાદ SP ઉપર બહાદુરી દેખાડવાનું દબાણ વધશે. માઓવાદી તો એમને મળતા નથી એટલે એમના જવાનો જઈને નિર્દોષ આદિવાસીઓને મારશે. અમારી જેવા સામાજિક કાર્યકર્તા તેના વિરુધ્ધ બોલશે તો અમને માઓવાદી સમર્થકનો સિક્કો મારી દેશે ! માઓવાદીને આદિવાસીઓથી તાકાત અને સમર્થન મળે છે.
આદિવાસીઓ ઉપર જેટલો વધુ જુલમ થાય એટલા વધુ તેઓ માઓવાદીને પોતાના દોસ્ત સમજશે. આદિવાસીઓને સન્માન આપો; એમની વાત સાંભળો; એમની સાથે અન્યાય થાય તો ન્યાય આપો. સમસ્યા દૂર થઈ જશે ! પરંતુ આપણું વહિવટી તંત્ર/આપણી સરકાર/કોર્ટ આદિવાસી વિરુધ્ધ કામ કરે છે. ‘સલવા જુડૂમ’ મુવમેન્ટમાં આદિવાસીઓના 650 ગામો પોલીસે સળગાવી દીધા. હજારો મહિલાઓ સાથે જવાનોએ બળાત્કાર કર્યા. હજારો નિર્દોષ આદિવાસીઓને માઓવાદી ચીતરીને જેલમાં ઠૂંસી દીધાં. 12 વરસની આદિવાસી છોકરીઓના સ્તન/ગુપ્તાંગો ઉપર વીજળીના તાર વડે ડામ દીધા અને તેને જેલમાં પૂરી દીધી. આ બધું મેં ઉજાગર કર્યું ત્યારે મારા સમર્થનમાં જેલર વર્ષા ડોંગરેએ લખ્યું કે ‘હિમાંશુકુમાર સાચું કહે છે. મેં પણ જેલમાં આવી આદિવાસી છોકરીઓ જોઈ હતી અને હું ધ્રૂજી ગઈ હતી.’ એ પછી સરકારે આદિવાસીઓને ન્યાય આપવા અને દોષી પોલીસવાળાને સજા કરવાને બદલે જેલર વર્ષા ડોંગરેને જ સસ્પેન્ડ કરી દીધા !
આદિવાસીઓ ઉપર થતા સરકારી જુલમ સામે અમે સુપ્રિમકોર્ટમાં ગયા ત્યારે સુપ્રિમકોર્ટે ‘સલવા જુડૂમ’ને ગેરબંધારણીય ઠરાવ્યું અને છત્તીસગઢ સરકારને આદેશ કર્યો કે 650 ગામોને ફરી વસાવો/દોષી પોલીસ સામે FIR કરો/ આદિવાસીઓને વળતર આપો. પરંતુ સરકારે એક પણ આદેશનું પાલન ન કર્યું. સુપ્રિમકોર્ટના આ આદેશ બાદ અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ 40 ગામને ફરી વસાવી દીધા અને પોલિસના ગુનાઓ અંગે 519 ફરિયાદો કલેક્ટર/SP અને સુપ્રિમકોર્ટને સોંપી પરંતુ બદલામાં સરકારે અમારા આશ્રમ ઉપર બુલડોઝર ચલાવી દીધું અને મારા કાર્યકર્તાઓને જેલમાં પૂરી દીધા. જે રાતે પોલીસ દ્વારા મારું એન્કાઉન્ટર થવાનું હતું; તે રાત્રે મારે છત્તીસગઢ છોડવું પડ્યું.
ભારતના બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. બંધારણે રાષ્ટ્રપતિને આદિવાસીઓના સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે સરકારને પૂછ્યા વિના આદિવાસીઓના હિતોની રક્ષા માટે સીધી કાર્યવાહી કરી શકે છે. પરંતુ આદિવાસીઓના 650 ગામો સળગાવીને ઉઝાડી નાખ્યા હોય; પોલીસોએ હજારો આદિવાસી મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હોય; આજ સુધી રાષ્ટ્રપતિએ આદિવાસીઓના પક્ષમાં એક વખત પણ પોતાના એ અધિકારનો ઉપયોગ કર્યો નથી. ઉલટાનું દંતેવાડા SP અંકિત ગર્ગએ આદિવાસી માનવાધિકાર કાર્યકર્તા સોની સોરીના ગુપ્તાંગોમાં પથ્થર ભરી દીધા ત્યારે રાષ્ટ્રપતિએ તેને ગેલેન્ટ્રી-વીરતા પુરસ્કાર આપ્યો !
છત્તીસગઢની અગાઉની સરકારે કોઈ કાર્યવાહી ન કરી; પરંતુ હાલની કોંગ્રેસ સરકારે પણ તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી ! જ્યાં અન્યાય છે ત્યાં શાંતિ હોઈ શકે નહીં. જવાનોની બંદૂકના દમ પર બસ્તરમાં શાંતિ સ્થાપી શકાય નહીં. બસ્તરમાં CRPFની વધુ બટાલિયન ડીપ્લોઈ કરવાથી શાંતિ સ્થપાઈ જાય, એ શક્ય નથી. માઓવાદ વિકાસના ખોટા મોડલ/સરકારી જુલમ/અન્યાયના કારણે મજબૂત થઈ રહ્યો છે. ન્યાય આપો શાંતિ આવી જશે ! પરંતુ આપણી સરકાર તો ન્યાયની વાત કરનારને જ જેલમાં પૂરે છે. જેણે આખી જિંદગી ગરીબ શ્રમિકો માટે વિતાવી એ સુધા ભારદ્વાજને જેલમાં પૂરેલ છે. ઝારખંડની જેલમાં 4000 નિર્દોષ આદિવાસીઓ છે; તેની યાદી ફાધર સ્ટેન સ્વામીએ પ્રકાશિત કરી એટલે એમને જેલમાં પૂર્યા !
મારા પિતાએ ગાંધીજી સાથે કામ કર્યું હતું. હું અને મારી પત્ની લગ્નના વીસ દિવસ બાદ 1992માં દંતેવાડા આવી ગયા હતા અને ગામમાં ઝૂંપડી બાંધી રહેતા હતા. વિનોબા ભાવેની માનસપુત્રી નિર્મલા દેશપાંડેએ મને બસ્તર જવા પ્રેરિત કર્યો હતો અને કહ્યું હતું કે ‘હિંસાગ્રસ્ત વિસ્તારમાં ગાંધીની અહિંસાની શક્તિને સાબિત કરો !’ મારો દાવો છે કે જો સરકાર સામાજિક કાર્યકર્તાઓને જેલોમાંથી મુક્ત કરે/આદિવાસી નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ સાથે વાત કરીને; આદિવાસી વિસ્તારમાં ન્યાય અને વિકાસના કામ કરે તો નિર્દોષ જવાનોની હત્યા રોકી શકાય. અમે જ્યારે બસ્તરમાં 40 ઉઝડેલા ગામ ફરી વસાવ્યા ત્યારે છ મહિના સુધી એ વિસ્તારમાં એક પણ જવાનની હત્યા થઈ ન હતી. મેં આ વાત દંતેવાડાના તત્કાલિન SP રાહુલ શર્માને કહી હતી; પરંતુ તેમના મનમાં અમારા પ્રયાસ માટે માન ન હતું; તેમણે જ અમારા આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દીધું.
સિંગારમમાં 19 આદિવાસીઓને લાઈનમાં ઊભા રાખી ગોળીથી ઉડાવી દીધાં ! થોડા વર્ષો બાદ રાહુલ શર્માએ પોતાની રીવોલ્વરથી ખુદને ગોળી મારી દીધી. 19 આદિવાસીઓને રહેંસી નાખ્યા તે કેસ 12 વરસથી કોર્ટમાં પેન્ડિંગ છે; કોઈને સજા નથી થઈ ! વાંક સરકારનો છે. મિનિસ્ટર પૂંજીપતિઓના દલાલ તરીકે કામ કરે છે. જેના ઈશારે આદિવાસીઓને એમની જમીનથી ખસેડવામાં આવી રહ્યા છે. આદિવાસીઓનો અવાજ બુલંદ કરનાર સામાજિક કાર્યકર્તાઓ સરકારને આંખના કણાની જેમ ખટકે છે ! સરકારોને જવાનોની મોતથી કોઈ ફરક પડતો નથી; સરકારને તો ઈન્વેસ્ટમેન્ટ/પૂંજીપતિઓની કૃપા અને તેમાં મળનાર કમિશનમાં જ રુચિ હોય છે ! પરંતુ અમને કિસાનના દીકરા જવાનોના મોતથી દુ:ખ થાય છે અને ઊંડો ફરક પડે છે; એટલા માટે અમે શાંતિની સાચી કોશિશ કરતા રહીશું અને ન્યાય માટે અવાજ ઉઠાવતા રહીશું; ભલે સરકાર અમને જેલમાં પૂરે !