પોરબંદર સહિત દેશભરમાં તમામ કેડરના વીમાકર્મીઓની સજ્જડ હડતાલ

વિદેશી મૂડીરોકાણ વધારીને ૭૪ ટકા સુધી લઈ જવા સામે પ્રચંડ આક્રોશઃ

જીવન વીમા સંસ્થાનો આઈ.પી.ઓ. લાવીને પોતાનો હિસ્સો ઘટાડવાના કેન્દ્ર સરકારના પગલાં સામે આજે વિરોધ ઊભો થયો છે અને આજે વીમા ક્ષેત્રના કર્મચારીઓ એક દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા છે. આજની હડતાલથી વીમા ક્ષેત્રનું કામકાજ અટકી પડ્યું છે. જામનગરની વીમા નિગમની તમામ કચેરીઓ આજે બંધ રહી હતી.

દેશમાં વીમા ક્ષેત્રમાં વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધારીને ૭૪ ટકા સુધી લઈ જવાના નિર્ણયના વિરોધમાં વીમા નિગમના કર્મચારીઓ-અધિકારીઓના પગાર સુધારણામાં ૪૧ માસ જેટલા થતાં વિલંબ સામે દેશભરમાં આજે વીમા કંપનીના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે અને કેન્દ્ર સરકાર સામે પ્રચંડ આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. આજની હડતાલની વિશેષતા એવી છે કે, વર્ગ ૧, ર, ૩ અને ૪ ના તમામ કર્મચારીઓ જોડાયા છે. એટલે કે તમામ કેડરના કર્મચારીઓ એક મંચ ઉપર આવીને અભૂતપૂર્વ હડતાલ પાડી છે. વર્ષો પછી આવી હડતાલ જોવા મળી છે.

પોરબંદરમાં પણ વીમા ક્ષેત્રના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં. આથી કચેરીને તાળા જોવા મળ્યા હતાં અને કામકાજ ખોરવાયું હતું.

રાષ્ટ્રવ્યાપી હડતાલથી આજે વીમા પ્રિમિયમની આવક બંધ રહેવા પામી હતી. આ ઉપરાંત દાવાની પતાવટ, પોલિસી સર્વિસીંગ સેવા વગેરે પણ બંધ રહ્યા છે. માર્ચ માસમાં જ હડતાલથી લક્ષ્યાંકો પૂર્ણ કરવાની કામગીરીમાં પણ વિક્ષેપ ઊભો થયો હતો. પ્રિમિયમની આવક બંધ રહ્યા ઉપરાંત જીએસટીની આવક પણ બંધ રહેતા કેન્દ્ર સરકારને કરોડો રૃપિયાની આજની નુક્સાની થવા પામી હતી.

એલ.આઈ.સી. જેવી પ્રગતિશીલ અને ખુદ સરકારને કરોડો રૃપિયાની આવક રળી આપતી સંસ્થાનો આઈ.પી.ઓ. લાવીને માત્ર પૈસા માટે પોતાની હિસ્સેદારી વેંચીને ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિ સામે કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો છે.