૧,૦૦,૦૦૦ ડોલરની સપાટીની નજીક ટકી રહ્યા બાદ છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનમાં આ સપાટીએથી પીછેહઠ જોવા મળી હતી. ભાવ ઘટી ૯૩૦૦૦ ડોલરની અંદર સરકી ગયા હતા. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ ઉપરાંત અમેરિકાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચૂંટણી બાદ ક્રિપ્ટોકરન્સીસ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ નિવેદન નહીં આવતા વેચવાલી જોવા મળી છે. માર્કેટ કેપ ઘટી ૩.૩૨ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોકરન્સીસ જેમ કે એથરમ, સોલાના, એકસઆરબી, ડોજકોઈન વગેરેમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
બિટકોઈન નીચામાં ૯૨૩૩૬ અને ઉપરમાં ૯૮૫૫૪ વચ્ચે અથડાઈ મોડી સાંજે ૯૨૯૩૦ ડોલર કવોટ થતો હતો. આવતા મહિને ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠકમાં વ્યાજ દરમાં વધુ ઘટાડો આવે છે કે કેમ તેના પર ક્રિપ્ટોમાર્કેટની નજર રહેલી છે. બિટકોઈન સ્પોટ ઈટીએફસમાં સોમવારે ૫૦ કરોડ ડોલરનો આઉટફલોસ જોવાયો હતો. ૯.૪૦ અબજ ડોલરના ઓપ્શન્સ શુક્રવારે સમાપ્ત થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં રાખતા ટૂંકા ગાળે બિટકોઈનમાં વોલેટિલિટી જોવા મળવાની બજારની ધારણાં છે. ટ્રમ્પ ક્રિપ્ટોસની તરફેણમાં હોવાથી તેમના તરફથી ક્રિપ્ટો કરન્સીસ સંદર્ભમાં હકારાત્મક નિવેદન આવવાની ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા હતા.