વર્તમાન વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ ૧૪.૫૦ ટકા વધી રૂપિયા બે લાખ કરોડને પાર કરી ગયો છે. તહેવારોની મોસમને કારણે વધેલી ઓનલાઈન ખરીદીને પગલે કાર્ડસ મારફતના ખર્ચમાં વધારો જોવા મળ્યો હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં વધારો થતાં બેન્કો કાર્ડસ જારી કરવામાં સાવચેત બની ગઈ છે. રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે, ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસ મારફત રૂપિયા ૨.૦૨ બે લાખ કરડનો ખર્ચ થયો હતો જે વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધુ છે. ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ ક્રેડિટ કાર્ડસની સંખ્યામાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે.ગયા વર્ષના ઓકટોબરની સરખામણીએ ક્રેડિટ કાર્ડસની સંખ્યા ૧૨.૮૫ ટકા વધી ૧૦.૬૮ કરોડ રહી હતી, જે સપ્ટેમ્બરની સરખામણીએ ૦.૭૪ ટકા વધુ છે. ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસની સંખ્યામાં ૭૮૬૩૩૭નો ઉમેરો થયો હતો.દશેરા-દિવાળીના તહેવારોને કારણે ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વધારો થયાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મોટાભાગની ખાનગી બેન્કોએ ક્રેડિટ કાર્ડસ જેવી અનસિકયોર્ડ લોન્સ પર નોન-પરફોર્મિંગ એસેટસમાં નોંધપાત્ર વધારો થયાનું નોંધ્યું છે. આ હકીકતને ધ્યાનમાં રાખી બેન્કોએ ક્રેડિટ સ્કોરની આવશ્યકતાને સખત બનાવવા ઉપરાંત કાર્ડસ મારફતના ખર્ચની મર્યાદામાં ઘટાડો કરવા જેવા પગલાં લેવાની ફરજ પડી હતી, જેથી આ સેગમેન્ટમાં ડીફોલ્ટને અટકાવી શકાય.