વિદ્યા બાલને ભૂલભૂલૈયા ટુમાં કામ કરવાનું કેમ નકારી કાઢ્યુ હતું?

ભૂલભલૈયામાં મંજુલિકાની ભૂમિકાને કારણે મને  ખૂબ  આદર અને સન્માન મળ્યા હતા. જેને કારણે મને ડર લાગી રહ્યો હતો કે જો બીજાભાગમાં કશું ઉંંધુચત્તું થશે તો મારી મહેનત પર પાણી ફરી વળશે. 

ર૦૦૭માં આવેલી પ્રિયદર્શનની ફિલ્મ ભૂલભૂલૈયામાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં  અવની અને મંજુલિકાની ભૂમિકામાં વિદ્યા બાલને કમાલનો અભિનય કર્યો હતો. ફિલ્મમાં ભૂતકથાને મનોવિજ્ઞાનની નજર સમજવાનો ગંભીર પ્રયાસ એવી સરસ રીતે કરવામાં આવ્યો હતો કે ભારતીય ભૂતકથાના શોખીનો પણ આ ફિલ્મ પર ઓવારી ગયા હતા. 

આ ફિલ્મ રજૂ થયાના પંદર વર્ષ બાદ પણ તેની બ્રાન્ડ વેલ્યુ એટલી જબરદસ્ત હતી કે અનિસ બાઝમીએ કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં લઇને ભૂલભૂલૈયા ટુ બનાવી. આ ફિલ્મ પણ હીટ નીવડતાં અનિસ બાઝમી હવે દિવાળીના તહેવારોમાં ભૂલભૂલૈયા થ્રી લઇને હાજર થયા છે. ઘણાં  માટે વિદ્યા બાલન શા માટે ભૂલભૂલૈયા ટુમાં ગાયબ હતી એ રસપ્રદ રહસ્ય બની રહ્યું હતું. પણ ખુદ વિદ્યા બાલને જ હવે આ રહસ્ય પરથી પડદો હટાવ્યો છે. ભૂલભૂલૈયા થ્રીમાં ફરી એકવાર મંજુલિકાની ભૂમિકા ભજવનારી વિદ્યાએ ફિલ્મના પ્રમોશન દરમ્યાન જણાવ્યું હતું કે ભૂલભલૈયામાં મંજુલિકાની ભૂમિકાને કારણે મને  ખૂબ  આદર અને સન્માન મળ્યા હતા. જેને કારણે મને ડર લાગી રહ્યો હતો કે જો બીજાભાગમાં કશું ઉંંધુચત્તું થશે તો મારી મહેનત પર પાણી ફરી વળશે. મેં એ વખતે ભૂલભૂલૈયા ટુની ઓફર લઇને આવેલાં અનિસ બાઝમીને જણાવ્યું હતું કે હું આ જોખમ લઇ શકું તેમ નથી. પણ પછી તેઓ ભૂલભૂલૈયા થ્રી માટે ફરી મારી પાસે આવ્યા ત્યારે મને એની પટકથા એટલી બધી ગમી ગઇ કે હું તેમની સાથે આ ફિલ્મ કરવા માટે તલપાપડ બની ગઇ. વિદ્યા બાલને જણાવ્યું હતું કે ભૂલભૂલૈયાની સિક્વલમાં તેમણે જે કમાલ કરી છે તેને કારણે મને તેમના પર ભરોસો બેસી ગયો હતો કે હવે ભૂલભૂલૈયા થ્રી કરવામાં કોઇ જોખમ નથી. 

વિદ્યા તેના નિર્ણયને વાજબી ગણાવતાં ઉમેરે છે કે તેમાં પણ આ ફિલ્મમાં મને માધુરી દિક્ષિત સાથે પણ કામ કરવાની તક મળતી હતી. પછી તો મેં હિંમત કરીને હા પાડી જ દીધી. વળી બાઝમી મનોરંજનના બાદશાહ ગણાય છે એટલે મને તેમની સાથે પણ કામ કરવાની  ઇન્તેઝારી હતી. ફિલ્મના પ્રમોશનના એક કાર્યક્રમ દરમ્યાન આમિ જો તોમાર ગીતનું નવું સ્વરૂપ રજૂ કરવાનું હતું. એ સમયે માધુરી અને વિદ્યાએ લાઇવ પરફોર્મ કરવાનું હતું. બન્યું એવું કે બંને જણ સરસ રીતે આ ગીત પર પરફોર્મ કરી રહ્યા હતા. એ જ વખતે વિદ્યા બાલનનો પગ તેની સાડીના છેડામાં અટવાઇ જતાં તેણે સંતુલન ગુમાવ્યું હતું પણ મંચ પર પડયા બાદ તરત જ ઉભાં થઇ ડાન્સ સાથે તાલ મિલાવી વિદ્યાએ તરત જ બાજી સંભાળી લીધી હતી અને કશું ન બન્યું એમ હોય પરફોર્મન્સ પુરો કર્યો હતો.  વિદ્યા બાલને આ બાબતે જણાવ્યું હતું કે આ ગીતમાં એક ચોક્કસ સીનમાં એક પ્રકારનું ટશન ઉભું કરવાનું હોય છે. મારે એ સીનમાં એટિટયુટ બતાવવાનો હોવાથી મારે માટે એ પરફોર્મ કરવું મુશ્કેલ હતું. પણ માધુરી મેડમ એટલાં ઉદાર છે કે ન પૂછો વાત. પણ તેમની સાથે પરફોર્મ કરવું એ સહેલું હોતું નથી. દરેક જણે મને સપોર્ટ કર્યો હતો. માધુરી દિક્ષિતને જ્યારે ખ્યાલ આવ્યો કે મારા માટે તેમની સાથે ડાન્સ પરફોર્મ કરવો એ મોટી વાત છે ત્યારે એમણે સરસ રીતે તેનો  ઉકેલ કાઢી આપ્યો હતો. જેને પગલે મેં મારી જાતને કહ્યું કે તેમની સાથે મંચ શેર કરવા મળે તે તો એક પ્રકારનું સન્માન છે. એક મંચ પર એક જ ફ્રેમમાં માધુરી સાથે કામ કરવાની તક દરેક જણને મળતી નથી. આમ, વિદ્યા બાલનને માધુરી સાથે ડાન્સ કરવાની મજા પડી છે. હવે સિનેમાગૃહોમાં દર્શકો મંજુલિકાના ફિલ્મમાં પાછાં ફરવાના નિર્ણયને વાજબી ઠેરવે છે કે કેમ એ જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *