ફુગાવો વર્ષની ટોચે, વ્યાજ દરમાં હાલ રાહત નહીં

સપ્ટેમ્બરનો ફુગાવો જોરદાર વધીને આવતા  દેશમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ફરી લંબાઈ ગઈ હોવાનું નિષ્ણાતો તથા બેન્કિંગ ક્ષેત્ર માની રહ્યું છે. ખાધાખોરાકીના ભાવમાં વધારાને પરિણામે સપ્ટેમ્બરનો ફુગાવો ૫.૪૯ ટકા સાથે નવ મહિનાની ઊંચી સપાટીએ જોવાયો છે. ઓગસ્ટમાં આ દર ૩.૬૫ ટકા રહ્યો હતો. ૨૦૨૪માં રેપો રેટ ઘટવાની શકયતા ઘટી ગઈ છે. ઓકટોબરની બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ પોલિસી સ્ટાન્સ વિથડ્રોઅલ ઓફ એકોમોડેશનમાંથી બદલીને ન્યુટ્રલ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે ડીસેમ્બરમાં રેપો રેટમાં ઘટાડો કરાશે તેવી શકયતા જોવાઈ રહી હતી, જે હવે ફળીભૂત થાય એમ જણાતું નથી એમ સિટીબેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.વ્યાજ દરમાં કપાત હવે એપ્રિલ, ૨૦૨૫ સુધી લંબાઈ જાય તો નવાઈ નહીં. વર્તમાન મહિનાના પ્રારંભમાં યોજાઈ ગયેલી એમપીસીની બેઠકમાં સતત દસમી વખત ૬.૫૦ ટકા રેપો રેટ જાળવી રખાયો હતો. ઓગસ્ટમાં ૫.૬૬ ટકાની સરખામણીએ ખાધાખોરાકીનો ફુગાવો સપ્ટેમ્બરમાં ઉછળીને ૯.૨૪ ટકા પર આવી ગયો છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને પરિણામે એકંદર ફુગાવો સતત ઊંચો જોવા મળશે જે વ્યાજ દરમાં કપાત સામે અવરોધરૂપ બની રહેશે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

રિટેલ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ તરફ સરકી રહ્યો છે તેવા મજબૂત સંકેત નહીં મળે ત્યાંસુધી રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડશે નહીં એમ જેપી મોર્ગને જણાવ્યું હતું.ગયા સપ્તાહની નાણાં નીતિની બેઠક બાદ પત્રકારો સમક્ષ બોલતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવા પર સતત નજર રાખવાની રહેશે તેવુ સૂચક નિવેદન કર્યું હતું. હવામાનની પ્રતિકૂળ સ્થિતિ, ભૌગોલિકરાજકીય ઘર્ષણો તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી જોવા મળેલા વધારાને કારણે ફુગાવા તરફી નોંધપાત્ર જોખમ રહેલું હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. કલાયમેટ ચેન્જને કારણે ફુગાવા કેન્દ્રીત નાણાં નીતિ તૈયાર કરવામાં વ્યાપક પડકારોનો કે ન્દ્રિય બેન્કોએ સામનો કરવાનો રહેશે. 

કાલાયમેટ સંબંધિત પૂરવઠા આંચકા જેમ કે અનાજ તથા ઊર્જાની અછત તથા ઉત્પાદનક્ષમતામાં ઘટાડો ફુગાવામાં વોલેટિલિટી વધારશે. વારંવારની કુદરતી આફતોને કારણે કંપનીઓ તથા વ્યક્તિોને થનારા નુકસાનને કારણે માગમાં ઘટાડો જોવા મળી શકે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ આંચકાઓને કારણે નાણાં સંસ્થાઓ તથા બેન્કો નબળી પડી શકે છે જે દેશમાં ધિરાણ પ્રવાહને મર્યાદિત બનાવશે, એમ રિઝર્વ બેન્કની વેબસાઈટ પર જારી કરાયેલી પાત્રાની સ્પીચમાં તેમને આમ  કહેતા ટંકાયા હતા. ફેબુ્રઆરી, ૨૦૨૩ની બેઠકમાં રેપો રેટ ૬.૨૫ ટકા પરથી વધારી ૬.૫૦ ટકા કરાયા બાદ આ સ્તર સતત જાળવી રખાયું છે. 

ફુગાવાનો ચાર ટકાનો ટાર્ગેટ આગામી નાણાં વર્ષમાં જોવા મળશે.

દેશમાં રિટેલ ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ સ્તરે  નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં  લાંબા ગાળા માટે જોવા મળવાની અપેક્ષા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી. પાત્રાએ જણાવ્યું હતું.૨૦૨૪ના જુલાઈ તથા ઓગસ્ટમાં ફુગાવો ટાર્ગટ સ્તર કરતા પણ નીચે જોવા મળ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં લાંબા ગાળા માટે ચાર ટકાના સ્તરે પહોંચવા પહેલા ફુગાવો વર્તમાન નાણાં વર્ષમાં સરેરાશ ૪.૫૦ ટકા રહેવા ધારણાં છે. ખાધાખોરાકી તથા ઈંધણના ભાવને અવારનવારના આંચકાઓને કારણે ફુગાવા સંદર્ભમાં ભારતનો અનુભવ કંઈક અલગ જ રહ્યો છે. ખાધાખોરાકી તથા ઈંધણના ભાવના આંચકા નાણાં નીતિ સામે પડકારરૂપ બની રહ્યા છે. ભારતમાં ભાવ સ્થિરતા વહેંચાયેલી જવાબદારી છે. ફુગાવાનો ટાર્ગેટ સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે જ્યારે તેને સિદ્ધ કરવા રિઝર્વ બેન્ક તેના પર કામ કરે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *