ઈરાની કપમાં મુંબઈનો રેસ્ટ ઓફ ઈન્ડિયા સાથે મુકાબલો થયો હતો. બંને ટીમ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ મુંબઈ ટીમનો સ્ટાર ક્રિકેટર શાર્દૂલ ઠાકુરની તબિયત લથડી હતી. શાર્દૂલને બેટિંગ દરમિયાન જ 102 ડિગ્રી તાવ આવ્યો હતો. બીજા દિવસે તેની તબિયત વધુ કથળતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બિમાર હોવા છતાં શાર્દુલે સરફરાજ ખાન સાથે મળી 73 રન બનાવ્યા હતા.
શાર્દૂલની મેદાન પર જ હાલત બગડી
શાર્દૂલને ટેસ્ટ ઈનિંગના પ્રથમ દિવસે જ તબિયત ખરાબ હતી. પરંતુ તે રમ્યો હતો. બીજા દિવસે બે કલાક સુધી પીચ પર રમ્યા બાદ અચાનક તબિયત વધુ ખરાબ થતાં તેણે 36 રન ફટકારતી વખતે બે વાર બ્રેક લીધો હતો. બ્રેક દરમિયાન ટીમના ડોક્ટરે તેની સારવાર કરી હતી. પરંતુ બાદમાં મુંબઈ ટીમ મેનેજમેન્ટે તેને હોસ્પિટલ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.
હવે તબિયતમાં સુધારો
હોસ્પિટલમાં શાર્દૂલને એક રાત સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ દાખલ રાખવામાં આવ્યો હતો. હવે તેની તબિયતમાં સુધારો આવ્યો છે અને તેને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. મુંબઈ ટીમે પ્રથમ ઈનિંગમાં 537 રન ફટકાર્યા છે. જેમાં સરફરાજે અણનમ 222 રન બનાવ્યા છે. શાર્દૂલે ભારતીય ટીમ માટે અંતિમ મેચ ડિસેમ્બર, 2023માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સેન્ચુરિયનમાં રમી હતી.