પરંપરાગત અથવા આદિવાસીઓની એથનિક જ્વેલરીને તમે ઉપમાં આપી શકો, ‘બોેલ્ડ એન્ડ બ્યૂટીફૂલ’. ટ્રેડીશનલ જ્વેલરી આમ તો કોઈપણ સમાજની પરંપરાનું દર્પણ હોય છે. તેમના સંસ્કારો વ્યક્ત કરતી હોય છે. આ પરંપરાને જે રીતે ઘરેણામાં વ્યક્ત કરવામાં આવે છે, તેને કારણે આખા વિશ્વના કોશ્ચ્યુમ જ્વેલરી ઉદ્યોગને પ્રેરણા મળતી હોય છે. કાંજીવરમ્ સાડી અને સુંદર પરંપરાગત ઘરેણાં પહેરેલી સ્ત્રી જેટલી સુંદર લાગતી હોય છે, તેટલી જ કેપ્રીઝ સાથે પરંપરાગત જ્વેલરી પહેરેલી ટીનએજ યુવતી લાગતી હોય છે.તેમ છતાં, ખાસ કોમોને પોતાના માટે પોતાની જ્વેલરીનું ખૂબ મહત્ત્વ હોય છે. તેમની આધ્યાત્મિક અને ભાવનાત્મક જિંદગીમાં ટ્રાઈબલ જ્વેલરી સ્ટેટ્સ સિમ્બોલ, ચારિત્ર્ય અને જ્ઞાાતિમાં આગવી ઓળખનું પ્રમાણપત્ર બનતું હોય છે, જેમ કે નાગા જાતિમાં સુરનું શિંગડુ એવું ઘરેણું કહેવાય છે, જે લડવૈયાનું પ્રતીક હોય અને માથાની હેલ્મેટ પર, નેકલેસ તરીકે કે કાનના કુંડળ તરીકે પહેરાય છે.
લાકડું, ટેરાકોટા, મોતી, છીપલાં, બીજ, પીંછાં, રૂદ્રાક્ષ જેેવી વિવિધ વસ્તુઓમાંથી ફેશનેબલ જ્વેલરી બની શકે છે. જુદી જુદી જાતિઓનો તેની પાછળ જુદો જુદો હેતુ અને સ્ટાઈલ હોય છે. કુદરતમાંથી પ્રેરણા મેળવતી આ મોટાભાગની જ્વેલરી સર્જનનું પ્રતીક બનતી હોય છે. એમાં પ્રાણી સૃષ્ટિનો પણ સમાવેશ થતો હોય છે. સાપ, વીંછી, મધમાખી, મરઘા, ઘોડા, હરણ, માછલી અને પતંગિયાની ભાતો પણ જ્વેલરીમાં મળી આવે છે. આદિવાસી જાતિઓ મોટે ભાગે ચાંદીમાં ઘરેણાં બનાવે છે, સોનામાં નહીં. એની પાછળનું એક સરળ કારણ તેમની ગરીબાઈ હોય છે.
સભ્યતા અને સંસ્કૃતિનો સમાજ સમજી શકે એ ભાષાથી દૂર, આદિવાસીઓ ભારે ઘરેણાંનો ઉપયોગ પોતાના શરીરનો ઢાંકવા માટે પણ કરતાં હોય છે, હીપ્સ પર પહેરવા ટગરી, હાથ માટે હાથીદાંત કે ચાંદીની બંગડી, કપાળ માટે બીંદા, ગળા માટે હાંસડી કે વાળ માટે બોડલા જેવા તાંતણા તેઓ વાપરે છે. પગથી માથા સુધી ઘરેણાંથી લદાઈ જવામાં આ આદિવાસીઓ ગર્વ અનુભવતાં હોય છે. ઘણીવાર શરીરનાં અંગ-ઉપાંગોને વધુ ઉપસાવવા માટે તેઓ ઘરેણાં પહેરતાં હોય છે.
બંગાળ-બિહારની બોર્ડર પર આવેલા સંથલ પરગણામાં તો આદિવાસીઓ શુદ્ધ ચાંદીની જ્વેલરી જ પહેરવાનો આગ્રહ રાખે છે. પણ જ્યારે તે લેવાનું તેમને પોસાતું નથી ત્યારે તેઓ સસ્તી વ્હાઈટ મેટલ ‘રૂપતત્સાનોનો ઉપયોગ કરે છે. જેમાંથી હાથ પર પહેરવા બાજુ કે પાતળી કમર પર પહેરવા કમરબધ અથવા ગોથ બનાવે છે. જોકે, મોટા શહેરોમાં ટ્રેડીશનલ જ્વેલરોના મત મુજબ કમરબંધ શહેરોમાં બહુ વેચાતા નથી કારણ કે માંડ ૧૮ ઈંચની કમર હોય તેવી વ્યક્તિઓને જ તે ફીટ થતાં હોય છે. એટલે એનું વેચાણ વિદેશીઓમાં વધુ હોય છે.
પોષ મેળા દરમિયાન ગરમાગરમ ભજિયાની જેમ વેચાઈ જતી જ્વેલરી છે, ‘ડોકરા’ નક્કર કરેલા મીણ ઉપર વાઈડિંગ મેટલના પાતળા તાર વીંટાળી બનાવાતી આ ડોકરા જ્વેલરીની ડિઝાઈનો પરંપરાગત રીતે વધુ ચમકદાર હોતી નથી પણ ફેશનની માંગને આધારે તેમાં નવીનતા અને ચમક લાવવામાં આવે છે. તેમાં દેવ, દેવી, પશુઓની આકૃતિઓ, પાંદડા જેવી ડિઝાઈનો હોય છે, જે પેન્ડન્ટ કે એરિંગ્સ તરીકે પહેરી શકાય.
ડોકરા અને ચાંદીની જ્વેલરી ઉપરાંત સૂકા ઘાસને વાળીને બંગડી તથા બીજી જ્વેલરીઓ બનાવી શકાય છે. દૈવી પ્રતિકૃતિ અને માસ્ક જેવી ડિઝાઈનો ધરાવતાં લાકડાના પેન્ડન્ટ પણ ફેશનમાં ચલણમાં હોય છે. આવી જ વસ્તુઓ ટેરાકોટામાંથી રંગીન કે સોનાનાં મોતી સાથે વીંટાળીને બનાવાતી હોય છે.
આદિવાસીઓ ઘણીવાર કોટનનાં દોરામાં ડિઝાઈન મુજબ મોતી, બટન, ધાતુના ટુકડા કે એવી કોઈ પણ વસ્તુઓ પરોવીને જ્વેલરી બનાવતાં હોય છે. એમની જ્વેલરી પરથી પ્રેરણા લઈને અમુક ડિઝાઈનરો તો અગરબત્તી રાખવાના સ્ટેન્ડનું પણ પેન્ડન્ટ બનાવી લેતાં હોય છે, જે ફેશન કોન્શિયસ આધુનિકાઓ પસંદ કરતી હોય છે. ઘણી સંસ્થાઓ તો લગભગ ફેંકી દેવાય તેવી વસ્તુઓમાંથી આદિવાસીઓ પાસે જ્વેલરી બનાવીને વેચે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે શહેરી જ્વેલરો ઓરીજીનલ આદિવાસી પેટર્નને પોતાની રીતે કંડારી ચાંદીના ઘરેણામાં ઢાળ આપે છે અને આદિવાસીઓમાં પહેરાતા બાજુબંધને કડા કે બ્રેસલેટ તરીકે અથવા ચાંદીના ટીકાને પેન્ડન્ટ તરીકે પહેરી શકાય એમ વેચે છે. આમ તો ટ્રાયબલ જ્વેલરી ચાંદીમાં જ બનતી હોય છે પણ તેમાં અર્ધ કીંમતી નંગો કે પરવાળા પણ જડવામાં આવતા હોય છે.
લોખંડ પહેરવાથી દૈવી શક્તિ મળે છે, એવું આદિવાસી માનતાં હોય છે. એટલે લોખંડના વીંટી કે નેકલેસ ભૂત પલિત ભગાડવા પહેરાતાં હોય છે.
ઘણી જગ્યાએ તો વસ્ત્રોની જગ્યાએ જ્વેલરી પહેરાય છે. જાબુઆ, મુરીયા અને બસીર જિલ્લાના ગોંડના આદિવાસીઓ એવડા મોટા નેકલેસ પહેરે છે કે તે બ્લાઉઝની ગરજ સારે છે. સમય જતાં આદિવાસી જ્વેલરીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે પણ રાજસ્થાન અને ગુજરાતની ચાંદીની જ્વેલરી ફેશનપ્રિય લોકોમાં એટલી જ પસંદગી પામે છે અને પરંપરામાં છુપાયેલી અવનવી કળાને શોધવા જ્વેલરો પણ એટલી જ મહેનત કર્યાં કરે છે.