સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનાં પર્વે શરૂ થયેલી મેઘમહેર પાંચ દિવસ અનરાધાર વરસતા જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. જો કે આજે સવારથી એકંદરે મેઘ વિરામ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પણ હજુ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન બુધવાર રાત્રિથી ગુરુવારની સાંજ સુધીમાં સૌરાષ્ટ્રનાં 25 જેટલા તાલુકામાં અડધાથી સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દ્વારકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં ડેમ ઓવરફ્લો ચાલુ રહ્યા હતા. નદીઓમાં પૂર યથાવત રહ્યા હતા. જો કે પાણી ઓસરવા લાગતા આજથી જનજીવન થાળે પડવું શરૂ થયું હતું.સૌરાષ્ટ્રમાં ગત શનિવારે રાંધણ છઠ્ઠનાં દિવસથી મેઘસવારી આવી પહોંચી હતી, જેણે સાતમનાં પર્વે અડધા સૌરાષ્ટ્ર અને જન્માષ્ટમીએ આખા સૌરાષ્ટ્રને આવરી લઇને અનરાધાર 5થી 20 ઇંચ સુધીનો વરસાદ વરસાવી દેતાં જળ પ્રલયનો ભય સર્જાયો હતો. રાજકોટમાં 3 દિવસમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર થઇ ગયો હતો. આર્મીની મદદ લેવી પડી હતી. જો કે, ગઇકાલે બપોર બાદ વરસાદ ધીમો પડી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં આજે પાંચમાં દિવસ સૂર્યનારાયણનાં દર્શન થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન 36 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયા બાદ આજે દ્વારકામાં વધુ સાત ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદનું જોર હળવું થતા લોકોએ રાહતનો દમ લીધો હતો.દ્વારકા તાલુકામાં બુધવારે રાત્રે તેમજ ગુરુવારના દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ગુરુવાર સાંજ સુધીમાં દ્વારકા તાલુકામાં વધુ 175 મી.મી. (7 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રિના 4 ઈંચથી વધુ વરસાદ પછી ગત દિવસ દરમિયાન હળવા ઝાપટા સાથે કુલ 118 મી.મી. (5 ઈંચ) વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં પણ 99 મી.મી. (4 ઈંચ) વરસાદ જ્યારે ખંભાળિયામાં હળવા તેમજ ભારે ઝાપટા રૂપે 67 મી.મી. (અઢી ઈંચ) પાણી પડી ગયાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ વરસાદ દ્વારકામાં 2137 મી.મી. (85 ઈંચ) સાથે 356 ટકા, ખંભાળિયામાં 2159 મી.મી. (87 ઈંચ) સાથે 243 ટકા, કલ્યાણપુર તાલુકામાં 1949 મી.મી. (78 ઈંચ) સાથે 218 ટકા તેમજ ભાણવડમાં 1424 મી.મી. (57 ઈંચ) કુલ સરેરાશ વરસાદ 190 ટકા વરસી ગયો છે. આમ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 245 ટકા વરસી જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
રાજકોટ જિલ્લાનાં ધોરાજી અને જેતપુરમાં ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યે ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે લોધીકા અને ભેંસાણમાં બે ઇંચ વરસાદ પડયો હતો. જામનગર જિલ્લામાં બપોર સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેમાં જામનગરમાં વધુ એક ઇંચ તથા જામજોધપુરમાં આજે એક ઇંચ અને ગત રાત્રે બે ઇંચ મળીને ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઘોઘા, કોટડા સાંગાણીમાં એક ઇંચ તેમજ ગોંડલ, ધ્રોલ, ખાભા, તળાજા, વિસાવદર, જસાણી, ટંકારા, જામકંડોરણા અને રાજુલામાં અડધો ઇંચ વરસાદ સિવાય એકંદરે મેઘવિરામ રહ્યો હતો.જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની કૃપા આજે વરસતી રહી હતી. બુધવાર રાત્રિથી ગુરુવાર સાંજ સુધીમાં ભેંસાણ અને વંથલી અને માણાવદર પંથકમાં અઢી ઇંચ જૂનાગઢ, વિસાવદર અને માળિયા હાટીના પંથકમાં દોઢ, મેંદરડામાં એક અને કેશોદમાં અડધો ઇંચ તથા માંગરોળમાં વરસાદી ઝાટપા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો ભારે વરસાદને લીધે ચોથા દિવસે 738 ગામોમાં અંધારપટની સ્થિતિ રહી હતી. ખેતીવાડીમાં 1514 સહિત કુલ 1851 ફિડર ફોલ્ટમાં ગયા હતા. જીઆઇડીસી અને ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારના 64 ફિડર બંધ રહેતા ઔદ્યોગિક વિસ્તારોમાં આ દિવસ દરમ્યાન જામનગરનાં 452, રાજકોટ ગ્રામ્યના 350, મોરબીના 265, સુરેન્દ્રનગરના 289, જૂનાગઢના 155 સહિત કુલ 1963 વીજ પોલ ડેમેજ થતાં સંખ્યાબંધ લોકોએ વીજળી વિના પારાવાર હાલાકી ભોગવવી પડી હતી.