નિકાસકારોને પ્રોત્સાહિત કરતી યોજનાઓમાં ફેરફારની તાતી જરૂરિયાત.
જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન મીની વેકેશન તેમજ વરસાદી માહોલને કારણે કૃષિ બજારોમાં આવકોના અભાવે સુસ્તીનો માહોલ છવાયો છે. રાજયમાં આ વર્ષે સારો વરસાદ થવા છતાં ખરીફ પાકોના વાવેતરમાં સરેરાશ ઘટાડો જોવા મળી રહ્યો છે. મગફળીનું ૧૭ ટકા, તુવેરનું ૧૦ ટકા વાવેતર વધ્યું છે જ્યારે એરંડાનું ૩૯ ટકા અને કપાસનું ૧૨ ટકા વાવેતર ઘટયું છે. ખાસ કરીને જુલાઈ માસમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ તથા દક્ષિણના સુરત, નવસારી, તાપી, ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બાગાયતી પાકોને નુકશાન થવાની વ્યાપક રજૂઆતોને પગલે સરકારે નુકશાનગ્રસ્ત ખેડૂતોને ૩૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. તહેવારો બાદ નવી મગફળીની આવકો સૌરાષ્ટ્રના કૃષિ બજારોમાં ધીમી ગતિએ વધે તેવી શક્યતાઓ વેપારી વર્ગમાં પ્રવર્તી રહી છે.તહેવારોના સમયે રાયડાતેલની ડિમાન્ડ સતત વધી રહી હોવાથી સ્ટોકિસ્ટ વર્ગ સક્રિય થતાં બજારમાં તેજીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નાફેડનો લગભગ ૧૪ થી ૧૫ હજાર ટન રાયડાનો માલ ટૂંકા ગાળામાં વેચાણ થઈ જતાં બજારમાં ભારે અફડાતફડીનો માહોલ છવાયો છે. છેલ્લા અઠવાડિયાથી રાયડાની તેજી સતત આગળ વધી રહેતાં સમગ્ર મામલો ટોક ઓફ માર્કેટ બન્યો છે. જોકે મગફળીની બજારમાં હાલમાં ભાવો મર્યાદિત રેન્જમાં ચાલી રહ્યા છે. મગફળીની બજાર નિકાસ ઉપર નિર્ભર છે. ગત વર્ષે મગફળીની વિદેશી માંગ અપેક્ષિત રહી નહોતી. વર્ષ દહાડે ૩૦૦ થી ૪૦૦ કન્ટેનર મગફળીની નિકાસ છેલ્લા કેટલાક સમયથી તુટીને ૫૦ થી ૬૦ કન્ટેનર સુધી સીમીત રહી ગઈ છે. જેના કારણે મગફળીના વેપારોમાં ભારે સુસ્તી પ્રવર્તી રહી છે.
આજ પ્રકારની સ્થિતિ મસાલામાં સૌથી વધુ વપરાશ ધરાવતી ચીજ જીરામાં પ્રવર્તી રહી છે. જીરા બજાર પણ વિદેશી માંગ ઉપર આધારિત બની છે. ગત વર્ષે પ્રતિ કિલોએ ૭૦૦ થી ૮૦૦ રૂપિયાની રેકોર્ડ બ્રેક બજાર હાલમાં માંગના અભાવે તુટીને ૨૫૦ રૂપિયાની આસપાસ રેન્જ બાઉન્ડ સ્થિતિમાં ચાલી રહી છે. ગત વર્ષે ઉભા ભાવોને કારણે રવિ સીઝનમાં જીરાનું ઉત્પાદન પણ દોઢાથી બમણુ થયું હતું પરંતુ ત્યારબાદ ભાવો તુટી જતાં ખેડૂત વર્ગની ઉંચા ભાવો મળવાની અપેક્ષા ઉપર પાણી ફેરવાઈ ગયું છ. ઉંચી કિંમતો મળવાની આશાએ ઘણોખરો ખેડૂત વર્ગ જીરાનો સ્ટોક રોકીને બેઠો છે. વૈશ્વિક સ્તરે જીરાનું ઉત્પાદન ચીનમાં બમણુ તથા સીરિયા, તુર્કી, અફઘાનીસ્તાન જેવા દેશોમાં નોંધપાત્ર વધેલ છે. જેના કારણે વિદેશી ડિમાન્ડમાં તેજ નથી. જ્યારે લોકલ ડિમાન્ડ પણ અપેક્ષિત નહિ રહેતાં જીરા બજારમાં હાલમાં વેકેશન જેવો માહોલ છે.
વૈશ્વિક બજારમાં ભારતીય કૃષિ પાક ભાવોની હરિફાઈમાં ટકે અને નિકાસકારોને પણ પ્રોત્સાહન મળે તેવી યોજનાઓની હાલમાં સખત જરૂરિયાત છે. પ્રોત્સાહનના અભાવે ભારતીય નિકાસ જુલાઈમાં તુટીને છેલ્લા આઠ મહિનાના નીચા સ્તરે આવી છે. નિકાસકારોના મત પ્રમાણે ચારેક વર્ષ અગાઉ શરૂ કરાયેલી રિમીશન ઓફ ડયુટીઝ એન્ડ ટેકસીસ ઓન ઓક્સપોર્ટ પ્રોડક્ટ (રોડટેપ)ની સ્કીમમાં હાલના સમયમાં ફેરફારની તાતી જરૂરિયાત છે. આ સ્કીમમાં રહેલા ડ્રો બેકના કારણે મેઈક ઈન ઈન્ડીયા અભિયાનને પણ ફટકો પડી રહ્યો છે. ઉપરોક્ત સ્કીમમાં પ્રોત્સાહનના દરોમાં ફેરફારોને કરીને તેમજ તેના કવરેજ એરિયામાં વધારો કરવાની આવશ્યક હોવાની વાત ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. રોડટેપ યોજના ઉપરાંત ઈન્ટરેસ્ટ ઈક્વાલાઈઝેશન IES સ્કીમ બંને યોજનાની મુદત વધારવા વાણિજ્ય વિભાગ આગળ વધે તેવી ગતિવિધિ જણાઈ રહી છે. ૈંઈજી ની મુદત ૩૧ ઓગસ્ટ તથા રોડટેપ યોજનાની મુદત ૩૦ સપ્ટેમ્બર પુરી થાય છે વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં સરકારે રોડટેપ યોજના અંદાજે સોળેક હજાર કરોડની ફાળવણી પણ કરી છે. રોડટેપ યોજના અંતર્ગત નિકાસકારોને તેમની ઉત્પાદન સામગ્રી ઉપર ભરેલા કેન્દ્ર, રાજય તથા સ્થાનિક બિન ક્રેડિટ પાત્ર કરવેરાનું મજરે રિફંડ મળતું હોય છે. જ્યારે ૈંઈજી યોજના હેઠળ બેન્કો નિકાસકારોને સસ્તા વ્યાજે લોનો પુરી પાડી છે.