અદાણી સામેના આરોપોની તપાસ માટે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)ની રચના અને જાતિ ગણતરી કરાવવાની માગ તથા બંધારણના સન્માન અંગે કોંગ્રેસે દેશવ્યાપી જન આંદોલન શરૃ કરવાની જાહેરાત કરી છે.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પક્ષના મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.હિંડન્બર્ગના અદાણી સામેના આરોપો અંગે ચાલી રહેલા વિવાદની વચ્ચે વિરોધ પક્ષે જણાવ્યું છે કે અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ અને સેબી પ્રમુખ મધાબી પુરી બુચના રાજીનામાની માંગ સાથે ૨૨ ઓગસ્ટે રાષ્ટ્રવ્યાપી દેખાવો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના અંતમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચાલુ વર્ષે ચૂંટણી થવાની છે. એઆઇસીસી હેડ કવાર્ટરમાં મળેલ બેઠકમાં જયરામ રમેશ અને કે સી વેસુગોપાલ પણ હાજર રહ્યાં હતાં.કોંગ્રેસે ભાજપ નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે શક્ય તમામ પ્રયત્નો દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતિઓ અને તેમના ધાર્મિક સ્થળો પર કરવામાં આવી રહેલા હુમલાઓ બંધ થાય તે સુનિશ્ચિત કરે.આ બેઠકમાં પસાર કરવામાં આવેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ અદાણીના મહા કૌભાંડની જેપીસી તપાસ કરાવવા માગ કરી રહી છે. આ ઠરાવમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ કૌભાંડમાં વડાપ્રધાનની પણ સંડોવણી છે તથા સેબીની ભૂમિકા પણ શંકાસ્પદ છે.આ બેઠકમાં વાયનાડની ભૂસ્ખલનની ઘટના અંગે પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. વાયનાડના ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોંઘવારી અને બેકારી જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી હતી.