દેશના બેન્કિંગ ક્ષેત્રમાં થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ સતત ઊંચી જોવા મળી રહી છે. થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ વધુ રહેતા બેન્કિંગ ક્ષેત્રમાં લિક્વિડિટીની સમશ્યા ઊભી થવાની પણ શકયતા જોવાઈ રહી છે. થાપણથી ધિરાણનું પ્રમાણ પણ વધી ૮૦ ટકાની નજીક પહોંચ્યું છે. ૧૨ જુલાઈના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક ધિરાણમાં ૧૪ ટકા અને થાપણમાં ૧૧.૩૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. સદર પખવાડિયામાં ખાતેધારકોએ સેવિંગ્સ તથા કરન્ટ એકાઉન્ટમાંથી રૂપિયા ૨.૧૦ લાખ કરોડ ઉપાડી લીધા હતા અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રૂપિયા એક લાખ કરોડ મૂકયા હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.૧૨ જુલાઈના અંતે બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૧૧.૭૦ લાખ કરોડ રહ્યો હતો જ્યારે ધિરાણ આંક રૂપિયા ૧૬૮.૧૦ લાખ કરોડ રહ્યો હતો. થાપણથી ધિરાણનું પ્રમાણ ૮૦ ટકાની નજીક પહોંચી ગયું છે, જે વર્તમાન નાણાં વર્ષનું સૌથી મોટું છે.દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં વધારા સાથે ધિરાણ માગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.