છેલ્લા ત્રણ વર્ષમાં ઇન્ડેક્સ ફંડના કુલ રિટેલ પોર્ટફોલિયોમાં લગભગ ૧૨ ગણો વધારો જોવા મળ્યો છે. એક ફંડ હાઉસના સ્ટડી રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૦માં ઈન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડની સંખ્યા ૪૪ હતી, જે માર્ચ ૨૦૨૪માં વધીને ૨૦૭ થઈ ગઈ છે. ઉપરાંત ઇન્ડેક્સ ફંડ્સમાં કુલ રિટેલ ફોલિયોઝ માર્ચ ૨૦૨૦માં ૪.૯૫ લાખથી વધીને ડિસેમ્બર ૨૦૨૩માં ૫૯.૩૭ લાખ થઈ ગયા છે.રિપોર્ટ અનુસાર, માર્ચ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ઇન્ડેક્સ ફંડ્સ (ઇક્વિટી અને ડેટ બંને)ની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) લગભગ ૨૫ ગણી વધીને રૂ. ૨,૧૩,૫૦૦ કરોડ થઈ છે. હાલમાં કુલ એયુએમમાં ડેટ ઈન્ડેક્સ ફંડનો હિસ્સો ૫૧.૫ ટકા છે. માર્ચ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૪ દરમિયાન, ડેટ ઇન્ડેક્સ ફંડ લગભગ શૂન્યથી રૂ. ૧.૧ લાખ કરોડ સુધીની એયુએમ પર પહોંચ્યું છે.
આ ફંડ્સની એયુએમ પર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પ્રભુત્વ ધરાવે છે. કુલ એયુએમમાં નિફ્ટી ૫૦નો હિસ્સો ૭૦.૭ ટકા છે. અહેવાલ મુજબ તેમાં સ્પષ્ટપણે લાર્જ કેપ શેરોનું પ્રભુત્વ છે. નિફ્ટી નેક્સ્ટ ૫૦ ઇન્ડેક્સ કુલ એયુએમમાં ૧૪.૬ ટકા હિસ્સો ધરાવે છે અને તેની કુલ એયુએમ રૂ. ૧૦,૦૦૦ કરોડ છે.જૂન ૨૦૨૪માં ઈન્ડેક્સ ફંડ કેટેગરીની એસેટ રૂ. ૨.૪૩ કરોડની વિક્રમી ટોચે પહોંચી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં આ એસેટમાં લગભગ ૯૦૦ ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લા ત્રણ વર્ષમાં તમામ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં ઈન્ડેક્સ ફંડ્સમાં સૌથી વધુ એયુએમ વૃદ્ધિ જોવા મળી છે.’ અહેવાલ અનુસાર ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં, ઇક્વિટી અને ડેટ ઇન્ડેક્સ ફંડ અનુક્રમે ૧૨૦ અને ૮૭ છે.